android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad: શેલામાં PSI ના પત્નીના ગળામાંથી સોનાની ચેઈન ઝૂંટવી બાઈક સવારો ફરાર

calendar_todayOctober 27, 2026

Ahmedabad: શેલામાં PSI ના પત્નીના ગળામાંથી સોનાની ચેઈન ઝૂંટવી બાઈક સવારો ફરાર

અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પોશ શેલા (Shela) વિસ્તારમાં ધોળે દિવસે ચીલઝડપની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કાયદો અને વ્યવસ્થા જાળવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) ના પત્ની જ ખુદ ચેઈન સ્નેચરોનો ભોગ બનતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મહિલા પોતાના પુત્ર સાથે રોડ પરથી પસાર થઈને ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સો ગળામાંથી સોનાની ચેઈન આંચકીને આંખના પલકારામાં ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના નજીકના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ જતાં બોપલ પોલીસે ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

પુત્ર સાથે ઘરે જઈ રહ્યા હતા ને બાઈક સવારો ત્રાટક્યા

ઘટનાની વિગતો અનુસાર શેલા વિસ્તારમાં રહેતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) ના પત્ની પોતાના પુત્ર સાથે કોઈ કામ અર્થે બહાર ગયા બાદ પગપાળા ઘરે પરત ફરી રહ્યા હતા.તેઓ સોસાયટીના રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી એક બાઈક પર સવાર થઈને બે અજાણ્યા યુવકો આવ્યા હતા.બાઈકચાલકે બાઈક ધીમું પાડતાં જ પાછળ બેઠેલા શખ્સે ચાલુ બાઈકે મહિલાના ગળા પર જોરથી ઝપટ મારીને સોનાની ચેઈન તોડી લીધી હતી.અચાનક થયેલા હુમલાથી મહિલા હેબતાઈ ગયા હતા અને બૂમાબૂમ કરી મૂકી હતી, પરંતુ ત્યાં સુધીમાં બાઈક સવારો પૂરપાટ ઝડપે રફુચક્કર થઈ ગયા હતા.

બોપલ પોલીસ તપાસમાં જોતરાઈ

બનાવ અંગે તાત્કાલિક બોપલ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળ અને આસપાસના માર્ગો પર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસતાં બાઈક પર આવેલા બંને સ્નેચરો સ્પષ્ટપણે કેદ થયેલા જોવા મળ્યા છે.સીસીટીવીમાં દેખાતા વાહનના નંબર અને શખ્સોના હૂલિયાના આધારે બોપલ પોલીસે ગુનો નોંધીને વિવિધ ટીમો બનાવી નાકાબંધી હાથ ધરી છે.પોલીસ પરિવારની મહિલા જ અસુરક્ષિત બનતાં સામાન્ય નાગરિકોની સુરક્ષાને લઈને પણ સ્થાનિક રહીશોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: Surat: SMC તૈયાર કરશે ડિજિટલ ડેટાબેઝ, GPS અને એપથી ઘરે-ઘરે થશે બાંધકામની ચકાસણી