calendar_todayMarch 21, 2026
Ahmedabad: બોપલ પોલીસના PSI જયેશભાઇનો પિત્તો જોરદાર! ફરિયાદીને કહ્યું ચલ નીકળ લુખ્ખા, મામલો SP પાસે પહોંચ્યો
અમદાવાદના બોપલ પોલીસ મથકના એક PSI દ્વારા અરજદારના મિત્ર સાથે કરવામાં આવેલી કથિત ગેરવર્તણૂકનો મામલો હવે ઉચ્ચ પોલીસ અધિકારી સુધી પહોંચ્યો છે. બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયેલા એક યુવકને PSI ના કડવા અનુભવનો સામનો કરવો પડતા, તેણે આ મામલે અમદાવાદ ગ્રામ્ય એસપી (SP) ને લેખિત ફરિયાદ કરી છે.
શું હતો સમગ્ર મામલો?
પ્રાપ્ત વિગતો અનુસાર, એક યુવક તેના મિત્ર સાથે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે ગયો હતો. આ યુવકની તાજેતરમાં જ હિપ સર્જરી (થાપાનું ઓપરેશન) થયેલી હોવાથી તેને ઉભા રહેવામાં તકલીફ પડતી હતી. આ શારીરિક મજબૂરીના કારણે તે પોતાની ગાડીના બોનેટ પર ટેકો લઈને બેઠો હતો. આ જોઈને ત્યાં ફરજ પરના PSI જયેશ કાલોતરા ઉશ્કેરાઈ ગયા હતા.
"નીકલ લુખ્ખા" કહી અપમાનિત કર્યાનો આક્ષેપ
અરજદારનો આક્ષેપ છે કે PSI જયેશ કાલોતરાએ તેને જોઈને અપમાનજનક શબ્દો વાપર્યા હતા. PSI એ કથિત રીતે કહ્યું હતું કે, "નીકલ લુખ્ખા, આ મારું પોલીસ સ્ટેશન છે અને અહીં મારું જ ચાલશે." કાયદાના રક્ષક ગણાતા પોલીસ અધિકારી દ્વારા આવા શબ્દપ્રયોગ અને તોછડા વર્તનથી યુવક અત્યંત ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયો હતો.
સિનિયર અધિકારી પાસે તપાસની માંગ
પોલીસ સ્ટેશનમાં ન્યાય મેળવવા ગયેલા યુવકને બદલે અપમાન મળતા તેણે હવે અમદાવાદ ગ્રામ્ય એસપીનો દરવાજો ખટખટાવ્યો છે. અરજદારે માંગ કરી છે કે આ સમગ્ર ઘટનાની તપાસ કોઈ સિનિયર પોલીસ અધિકારી દ્વારા કરવામાં આવે અને PSI વિરુદ્ધ કડક ખાતાકીય કાર્યવાહી કરવામાં આવે. પોલીસ સ્ટેશનમાં આવતા અરજદારો સાથે પોલીસનું વર્તન કેવું હોવું જોઈએ, તે બાબતે ફરી એકવાર આ ઘટનાએ સવાલો ઉભા કર્યા છે.