android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad SOG સેન્ટરમાં ખાખી લજવાઈ, માત્ર એક ખુરશી માટે બે પોલીસકર્મી બાખડ્યા, પાઇપ વડે મારામારી...

calendar_todaySeptember 2, 2026

Ahmedabad SOG સેન્ટરમાં ખાખી લજવાઈ, માત્ર એક ખુરશી માટે બે પોલીસકર્મી બાખડ્યા, પાઇપ વડે મારામારી...

અમદાવાદના સરદારનગર ખાતે આવેલા SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) જોઈન્ટ ઇન્ટ્રોગ્રેશન સેન્ટર ખાતે ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ અંદરોઅંદર બાખડ્યા હોવાની એક શરમજનક ઘટના સામે આવી છે. અત્યંત શિસ્તબદ્ધ ગણાતા પોલીસ બેડામાં માત્ર એક ખુરશી લેવા જેવી નજીવી બાબતે બે પોલીસકર્મીઓ વચ્ચે તીવ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ સામાન્ય તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં બંને કર્મચારીઓ શિસ્તના તમામ નિયમો નેવે મૂકીને સરેઆમ મારામારી પર ઉતરી આવ્યા હતા.

પ્લાસ્ટિકની પાઇપ વડે હેડ કોન્સ્ટેબલ પર હુમલો

આ બબાલ દરમિયાન આવેશમાં આવી ગયેલા એક પોલીસ કોન્સ્ટેબલે ત્યાં પડેલી પ્લાસ્ટિકની પાઇપ વડે હેડ કોન્સ્ટેબલ પર હુમલો કરી દીધો હતો. પાઇપના ફટકા વાગવાને કારણે હેડ કોન્સ્ટેબલને શરીરે ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે સેન્ટર પર હાજર અન્ય કર્મચારીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. સાથી કર્મચારીઓએ તુરંત જ બચાવ કામગીરી કરી ઈજાગ્રસ્ત પોલીસકર્મીને તાત્કાલિક ધોરણે વધુ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની વ્યવસ્થા કરી હતી.

એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ

પોલીસ મથક કે ઇન્ટ્રોગ્રેશન સેન્ટર જેવા સંવેદનશીલ સ્થળે જ કર્મચારીઓ વચ્ચે થયેલી મારામારીને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે. આ સમગ્ર ઘટના અંગે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં હુમલો કરનાર કોન્સ્ટેબલ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી જેમના શિરે છે તેવા પોલીસકર્મીઓ સામે જ ગુનો દાખલ થતાં એરપોર્ટ પોલીસે કાયદાકીય કાર્યવાહી સાથે ખાતાકીય તપાસ ચક્ર પણ ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો : Dahod News : શાળા કે મજૂરીનો અડ્ડો? ભણવાના સમયે વિદ્યાર્થીઓ પાસે ઉંચકાવ્યા સિમેન્ટના ભારે બ્લોક