calendar_todaySeptember 16, 2026
Ahmedabad SVP હોસ્પિટલમાં ગંદકીના ગંભીર દ્રશ્યો સામે આવતાં તંત્ર લાલઘૂમ, સફાઈ એજન્સીને નોટિસ ફટકારી ખુલાસો મંગાયો!
અમદાવાદની પ્રખ્યાત SVP (સરદાર વલ્લભભાઈ પટેલ) હોસ્પિટલમાં સફાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. હોસ્પિટલના ચેરમેન અને કમિટીના સભ્યો દ્વારા કરવામાં આવેલા સરપ્રાઈઝ રાઉન્ડ અને નિરીક્ષણ દરમિયાન હોસ્પિટલ પરિસરમાં ઠેર-ઠેર ગંદકી જોવા મળી હતી. હોસ્પિટલમાં સફાઈની કથળેલી સ્થિતિને પગલે તંત્ર દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી છે અને સફાઈ કોન્ટ્રાક્ટ ધરાવતી એજન્સીને કારણદર્શક નોટિસ ફટકારીને કડક કાર્યવાહી માટે ખુલાસો માંગવાનો નિર્ણય લેવાયો છે.
ફરિયાદ નિવારણ માટે હવે સ્કેન કરો QR કોડ
દર્દીઓ અને તેમના સગાં-સંબંધિઓને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને હોસ્પિટલ પ્રશાસન દ્વારા એક નવો ડિજિટલ અભિગમ અપનાવવામાં આવ્યો છે. હોસ્પિટલમાં સફાઈ કે અન્ય આરોગ્ય સંબંધિત સેવાઓ અંગેની ફરિયાદો માટે ખાસ QR કોડ મુકવામાં આવ્યા છે. હોસ્પિટલમાં આવનાર કોઈપણ નાગરિક હવે પોતાના મોબાઈલથી આ QR કોડ સ્કેન કરીને સફાઈ કે સુવિધાઓ અંગે સીધી રીતે પોતાની ફરિયાદ નોંધાવી શકશે.
ફોટો પુરાવા વિના ફરિયાદનો આખરી નિકાલ નહીં થાય
નવી વ્યવસ્થાને વધુ પારદર્શક અને પરિણામલક્ષી બનાવવા માટે હોસ્પિટલ તંત્ર દ્વારા કડક સૂચના આપવામાં આવી છે. જે મુજબ, નોંધાયેલી ફરિયાદના સ્થળ પર સફાઈ કે સુધારાત્મક કામગીરી પૂર્ણ થઈ ગઈ છે તે અંગેના ફોટોગ્રાફ્સ અપલોડ ન થાય ત્યાં સુધી સિસ્ટમમાં તે ફરિયાદનો આખરી નિકાલ (Resolved) ગણવામાં આવશે નહીં. આ આકરા નિયમથી સફાઈ એજન્સીઓ પર કડક મોનિટરિંગ રાખી શકાશે.
આ પણ વાંચો : Bharuchના વાલીયામાં દર્દનાક દુર્ઘટના, મોદલીયા ગામમાં ખુલ્લી ગટરની કુંડીમાં પડી જતાં 4 વર્ષીય બાળકીનું મોત