android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabd: સિંચાઈ વિભાગના નિવૃત્ત કર્મચારી સાથે ઓનલાઇન છેતરપિંડી, પાર્સલ મોકલવાના બહાને 1.90 લાખ પડાવ્યા

calendar_todayMarch 14, 2026

Ahmedabd: સિંચાઈ વિભાગના નિવૃત્ત કર્મચારી સાથે ઓનલાઇન છેતરપિંડી, પાર્સલ મોકલવાના બહાને 1.90 લાખ પડાવ્યા

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં સાયબર ક્રાઈમની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સિંચાઈ વિભાગના એક નિવૃત્ત કર્મચારીને ઓનલાઇન કુરીયર કંપનીનો નંબર શોધીને કોલ કરવો ભારે પડ્યો છે. ગઠિયાઓએ પાર્સલ મોકલવાની પ્રક્રિયાના બહાને નિવૃત્ત કર્મચારીના ખાતામાંથી ₹1.90 લાખની મત્તા સેરવી લીધી છે.

દુબઈ પાર્સલ મોકલવાના નામે ખેલ ખેલાયો

મળતી માહિતી મુજબ, સિંચાઈ વિભાગમાંથી નિવૃત્ત થયેલા કર્મચારીએ પોતાનું એક પાર્સલ દુબઈ મોકલવાનું હોવાથી ઇન્ટરનેટ (Google) પરથી એક જાણીતી કુરીયર કંપનીનો સંપર્ક નંબર મેળવ્યો હતો. આ નંબર પર કોલ કરતા સામે છેડે રહેલા અજાણ્યા શખ્સે પોતે કુરીયર કંપનીનો પ્રતિનિધિ હોવાની ઓળખ આપી હતી અને પાર્સલ બુકિંગના નામે વિશ્વાસમાં લીધા હતા.

5 ટ્રાન્ઝેક્શનમાં ₹1.90 લાખ પડાવ્યા

ગઠિયાએ લિંક મોકલી અથવા અન્ય ટેકનીકનો ઉપયોગ કરી નિવૃત્ત કર્મચારી પાસે અલગ-અલગ 5 ટ્રાન્ઝેક્શન કરાવ્યા હતા. ફરિયાદીને ખબર પડે તે પહેલા જ તેમના બેંક ખાતામાંથી કુલ ₹1,90,000 ઉપડી ગયા હતા. છેતરપિંડીનો અહેસાસ થતા જ તેમણે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો.

વેજલપુર પોલીસમાં ફરિયાદ

આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આઈટી એક્ટ અને છેતરપિંડીની કલમો હેઠળ ગુનો નોંધીને જે બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા છે તેની વિગતો મેળવવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો: Ahmedabad: નારોલ પોલીસ સ્ટેશનમાં નરાધમ મિત્ર સામે ફરિયાદ, માસૂમ સગીરા સાથે મિત્રએ જ કર્યા શારીરિક અડપલાં