android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
AI ક્ષેત્રે ભારતનો દબદબો, નવી દિલ્હીમાં યોજાશે વૈશ્વિક AI-ઇમ્પેક્ટ સમિટ, UN ચીફ ગુટેરેસે કર્યા ભારતના વખાણ

calendar_todayFebruary 5, 2026

AI ક્ષેત્રે ભારતનો દબદબો, નવી દિલ્હીમાં યોજાશે વૈશ્વિક AI-ઇમ્પેક્ટ સમિટ, UN ચીફ ગુટેરેસે કર્યા ભારતના વખાણ

ભારત ટેકનોલોજીના ક્ષેત્રમાં વધુ એક ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. આગામી 19 થી 20 ફેબ્રુઆરી, 2026 દરમિયાન નવી દિલ્હી ખાતે 'ઈન્ડિયા-એઆઈ ઇમ્પેક્ટ સમિટ' યોજાવાની છે. આ સમિટની ખાસિયત એ છે કે તે ગ્લોબલ સાઉથના કોઈ દેશમાં આયોજિત થનારી પ્રથમ વૈશ્વિક AI સમિટ હશે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે આ આયોજન માટે ભારતના નેતૃત્વની મુક્ત કંઠે પ્રશંસા કરી છે અને પોતે આ સમિટમાં ભાગ લેવા ભારત આવશે તેવી પુષ્ટિ પણ કરી છે.

વૈશ્વિક પડકારો અને ભારતની ભૂમિકા

બુધવારે ન્યૂયોર્ક ખાતે મીડિયા સાથે વાત કરતા એન્ટોનિયો ગુટેરેસે જણાવ્યું હતું કે, આજના સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) એ આંતરરાષ્ટ્રીય સંબંધોમાં અત્યંત નિર્ણાયક મુદ્દો છે. તેમણે સ્વીકાર્યું કે AI આધુનિક સમયના સૌથી મોટા પડકારોમાંનો એક છે અને તે માટે વિવિધ દેશો અને નાગરિક સમાજનું એક મંચ પર આવવું અનિવાર્ય છે. ગુટેરેસે ઉમેર્યું કે ભારત જેવા વિકાસશીલ દેશે, જેની પાસે પહેલેથી જ નોંધપાત્ર ટેકનિકલ ક્ષમતાઓ છે, આ વિષય પર નેતૃત્વ લીધું છે તે પ્રશંસનીય છે.

પીએમ મોદીનું વિઝન અને સમિટના ઉદ્દેશ્યો

ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સમાં યોજાયેલી 'એઆઈ એક્શન સમિટ' દરમિયાન ભારતમાં આ વૈશ્વિક કોન્ફરન્સ યોજવાની જાહેરાત કરી હતી. આ સમિટ મુખ્યત્વે ત્રણ સ્તંભો પર આધારિત હશે.

પીપલ (લોકો): માનવ કલ્યાણ માટે ટેકનોલોજીનો ઉપયોગ.

પ્લેનેટ (ધરતી): પર્યાવરણ અને પૃથ્વીની સુરક્ષા માટે AI ના ઉકેલો.

પ્રોગ્રેસ (પ્રગતિ): સર્વસમાવેશક અને ઝડપી વિકાસની દિશા.

ક્ષમતા નિર્માણ અને વૈશ્વિક સહયોગ

સમિટ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખનો મુખ્ય સંદેશ 'ગ્લોબલ ડિજિટલ કોમ્પેક્ટ' પર કેન્દ્રિત રહેશે. તેઓ આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક પેનલની ભૂમિકા અને ખાસ કરીને વિકાસશીલ દેશોમાં AI ક્ષમતા નિર્માણ માટે વિશ્વના દેશોને એકઠા કરવા પર ભાર મૂકશે. આ સમિટ એવા ભવિષ્યની કલ્પના કરે છે જ્યાં AI માત્ર નફા માટે નહીં, પરંતુ માનવતાને આગળ વધારવા અને સમાવેશક વિકાસ માટે કામ કરે. ભારતમાં યોજાનારી આ સમિટ એ વાતનો પુરાવો છે કે વૈશ્વિક નીતિ નિર્ધારણમાં ભારત હવે માત્ર અનુયાયી નહીં, પણ એક મજબૂત માર્ગદર્શક તરીકે ઉભરી આવ્યું છે.

આ પણ વાંચોઃ UP: 'પપ્પા અમે કોરિયન છીએ,તો પછી ભારતીય સાથે લગ્ન...., 3 બહેનોના આત્મહત્યા કેસમાં નવો વળાંક