calendar_todayFebruary 21, 2026
Ai Summit Protest : વિરોધ નેપાળ GenZ આંદોલનથી પ્રેરિત હતો..યુથ કોંગ્રેસના વિરોધ અંગે દિલ્હી પોલીસનો દાવો
દિલ્હીના ભારત મંડપમ ખાતે ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટમાં યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનથી દેશમાં રાજકારણ ગરમાયું છે. વિવિધ રાજ્યોમાં ભાજપના કાર્યકરો કોંગ્રેસ પક્ષનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે આજે પોલીસે ચાર વિરોધ કરી રહેલા યુથ કોંગ્રેસના કાર્યકરોને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કર્યા. કોર્ટે તમામ ચારેયની પાંચ દિવસની પોલીસ કસ્ટડી આપી છે.
નેપાળના GenZ ચળવળથી પ્રેરિત હતો વિરોધ- દિલ્હી પોલીસ
દિલ્હી પોલીસના વકીલે જણાવ્યું હતું કે નેપાળના GenZ ચળવળની જેમ વિરોધ પ્રદર્શન દરમિયાન રાષ્ટ્રવિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને દેશને વિભાજીત કરતા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. તેઓએ એક વિરોધ સ્થળ પસંદ કર્યું હતું જ્યાં મોટી સંખ્યામાં અન્ય દેશોના પ્રતિનિધિઓ હાજર હતા. પોલીસે દાવો કર્યો હતો કે વિરોધ પ્રદર્શન દરમિયાન વિરોધીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી અને કેટલાક પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હતા.
પોલીસને કેવી રીતે મળ્યા 5 દિવસના આરોપીના રિમાન્ડ
જ્યારે કોર્ટે પોલીસને પાંચ દિવસના રિમાન્ડનું કારણ પૂછ્યું ત્યારે પોલીસે કહ્યું આ મામલાની તપાસ એ નક્કી કરવા માટે છે કે કોણે કાવતરું ઘડ્યું હતું અને બીજું કોણ સામેલ હતું. ટી-શર્ટ ક્યાં છાપવામા આવ્યા હતા?" આરોપીના વકીલે પોલીસ રિમાન્ડની માંગનો વિરોધ કર્યો. તેમણે કહ્યું આ ધરપકડો લોકશાહીની ગરિમાને નબળી પાડે છે. જો વિરોધ પ્રદર્શનના જવાબમાં ધરપકડ કરવામાં આવે છે, તો સંસદમાં વિરોધ કરી રહેલા સાંસદોની પણ ધરપકડ કરવામાં આવે.
દિલ્હી પોલીસનો કોર્ટમાં દલીલ
ભારત મંડપમ ખાતે ધરપકડ કરાયેલા પ્રદર્શનકારીઓમાં બિહારના યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ કૃષ્ણ હરિ, બિહારના યુથ કોંગ્રેસના રાજ્ય સચિવ કુંદન યાદવ, ઉત્તર પ્રદેશના યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અજય કુમાર અને તેલંગાણાના નરસિંહ યાદવનો સમાવેશ થાય છે. દિલ્હી પોલીસે દલીલ કરી હતી કે તેમણે (પ્રદર્શનોકર્તાઓએ) રાષ્ટ્ર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વાંધાજનક તસવીરોવાળી ટી-શર્ટ પહેરી હતી. પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓના મોબાઇલ ફોન જપ્ત કરવા જોઈએ અને તેઓ અલગ અલગ રાજ્યોના હોવાથી તેમની કસ્ટડીમાં પૂછપરછ જરૂરી છે.
કોંગ્રેસ વિવાદમાં ફસાયેલી
ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં વિરોધ પ્રદર્શન બાદ કોંગ્રેસ હવે વિવાદમાં ફસાઈ ગઈ છે. વિરોધ પ્રદર્શનથી સ્થળ પર થોડા સમય માટે હોબાળો મચી ગયો. વિરોધ પ્રદર્શન દરમિયાન, યુથ કોંગ્રેસના કાર્યકરોએ તેમના ટી-શર્ટ ઉતાર્યા અને "PM is a compromise." જેવા સૂત્રોચ્ચાર કર્યા. વિરોધ પ્રદર્શન દરમિયાન ભારત અને વિદેશના ઘણા અગ્રણી વ્યક્તિઓ અને પ્રતિનિધિઓ સમિટમાં હાજર હતા.