calendar_todayMarch 31, 2026
Air India Expressની ફ્લાઈટ પશ્ચિમ બંગાળથી આવી રહી હતી દિલ્હી, લખનઉમાં કરાયું ઈમરજન્સી લેન્ડિંગ
પશ્ચિમ બંગાળના બાગડોગરાથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટનું ઉત્તરપ્રદેશના લખનઉમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું છે. એર ઈન્ડિયા એક્સપ્રેસના આ વિમાનમાં 148 લોકો સવાર હતા, વિમાનમાં અચાનક હવામાં જ ધુમાડાનું એલાર્મ વાગવા લાગ્યો, ત્યારબાદ પ્લેનને લખનઉ એરપોર્ટ પર તાત્કાલિક લેન્ડિંગ કરાવવામાં આવ્યું.
લખનઉ એરપોર્ટ પર પ્લેન થયું લેન્ડ
સાંજે એરબસ એ320 વિમાન IX1523એ લખનઉના ચૌધરી ચરણસિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લેન્ડ કરાવ્યું. જ્યારે વિમાનની એવિયોનિક્સ બે (ઈલેક્ટ્રોનિક સિસ્ટમવાળી જગ્યા)માં ધુમાડો જોવા મળ્યો. પાયલટે 'May Day' કોલ આપ્યો, આ જીવલેણ કે ખુબ જ ગંભીર જોખમની સ્થિતિમાં મદદ માટે ઉપયોગ કરવાનો સંકેત છે.
પાયલટે 'May Day' કોલ આપ્યો
'May Day' કોલ બાદ તાત્કાલિક લખનઉના એર ટ્રાફિક કંટ્રોલને સૂચના આપવામાં આવી હતી. ત્યારબાદ વિમાન સાંજે લગભગ 5.20 વાગ્યે સુરક્ષિત રીતે ઉતરી ગયું. લેન્ડિંગ બાદ તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા અને આ ઘટનામાં કોઈ ઘાયલ થયું હોવાના સમાચાર મળ્યા નથી.
મુસાફરોને દિલ્હી જતી વૈકલ્પિક ઉડાનની સુવિધા આપવામાં આવી છે. કેટલાક મુસાફરોએ ફૂલ રિફંડનો વિકલ્પ પસંદ કર્યો, જ્યારે અન્ય લોકોને હોટલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને ત્યારબાદની ફ્લાઈટમાં તેમનું બુકિંગ કરવામાં આવ્યું છે.
એર ઈન્ડિયા એક્સપ્રેસે શું કહ્યું ?
આ ઘટનાની પુષ્ટી કરતા એર ઈન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ કહ્યું કે મુસાફરોની સુરક્ષાને પ્રાથમિકતા આપતા વિમાનને લખનઉ એરપોર્ટ પર ઉતારી દેવામાં આવ્યું. વિમાન સુરક્ષિત રીતે લેન્ડ થયું. તમામ મુસાફરોને ફ્લાઈટ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવી છે. હાલમાં આ ઘટના અંગે આગળની તપાસ કરવામાં આવી રહી છે અને વિમાન હાલમાં લખનઉ એરપોર્ટ જ છે.
આ પણ વાંચો : Andhra Pradesh Train Derailed : મનુબોલુ–કોમ્મારાપુડી રેલવે સ્ટેશન નજીક માલગાડી પલટી, રેલવે વ્યવહાર ખોટકાયો