android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ambaji: ભાદરવી પૂનમના મેળા પહેલાં હડાદ પોલીસની મોટી કાર્યવાહી, ભક્તોને લૂંટતી ગેંગના 5 શખ્સો ઝડપાયા

calendar_todaySeptember 7, 2026

Ambaji: ભાદરવી પૂનમના મેળા પહેલાં હડાદ પોલીસની મોટી કાર્યવાહી, ભક્તોને લૂંટતી ગેંગના 5 શખ્સો ઝડપાયા

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આગામી દિવસોમાં યોજાનારા ભાદરવી પૂનમના મહામેળાને લઈને લાખો પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. આ દરમિયાન અંબાજી તથા રણુજા જતા દર્શનાર્થીઓને નિશાન બનાવતી એક ખતરનાક પથ્થરમારા લૂંટારૂ ગેંગ સક્રિય થઈ હતી. ગત 30 ઓગસ્ટના રોજ ગણાપીપળી ઢાળ પાસે નિલેશભાઈ ખોખરીયા નામના શખ્સની કાર પર આ ગેંગે પથ્થરમારો કરી, કાર રોકાવી છરી બતાવી લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો.

અંબાજી હાઇવે પર લૂંટ ચલાવતી ગેંગનો પર્દાફાશ

આ ઘટના અંગે હડાદ પોલીસ મથકે ગુનો નોંધાતાં જ પોલીસ હરકતમાં આવી હતી અને અસામાજિક તત્વોને નાથવા ચક્રો ગતિમાન કર્યા હતા. હડાદ પોલીસની ટીમે બાતમીદારો, ટેકનિકલ સરવેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ચોક્કસ માહિતી મેળવીને દરોડો પાડ્યો હતો. પોલીસે લૂંટની યોજના બનાવતી અને આચર્તી આ ગેંગના ૫ સ્થાનિક લૂંટારાઓને ઝડપી પાડ્યા છે.

આંબા અને દાંતાના 5 શખ્સોને દબોચી લીધા

ઝડપાયેલા આરોપીઓમાં રાણપુર આંબા ગામના સતરા ધર્માભાઈ સોલંકી, તેજા ભગાભાઈ પરમાર, રાજુ રમેશભાઈ અંગારી, રમેશ કેશાભાઈ અંગારી તેમજ દાંતાના ચીખલા ગામના કાળા સકરાભાઈ ડુંગાઈસાનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી લૂંટના બનાવોમાં ઉપયોગમાં લેવાતા ધાતક હથિયારો (છરી વગેરે) અને બાઇક જપ્ત કર્યા છે.આરોપીઓ સામે હડાદ પોલીસ સ્ટેશનમાં લૂંટ, લૂંટનો પ્રયાસ અને ભારતીય ન્યાય સંહિતાની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી જેલહવાલે કરાયા છે. મહામેળા પૂર્વે હડાદ પોલીસની આ કડક કાર્યવાહીથી અંબાજી હાઇવે પરથી પસાર થતાં માઇભક્તો અને વાહનચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે.

આ પણ વાંચો:Gandhinagar: IAS આર. પી. પટેલ બનાવાયા જોઈન્ટ ચીફ ઈલેક્ટોરલ ઓફિસર; ચૂંટણી પંચમાં નવી નિયુક્તિ