calendar_todayFebruary 3, 2026
Ambaji માં બુટલેગરો બેફામ, નશામાં ધૂત કાર ચાલકે યાત્રિકોના વાહનોને ફંગોળ્યા, CCTV Viral
યાત્રાધામ અંબાજીમાં બુટલેગરો અને અસામાજિક તત્વોનો ત્રાસ વધતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ અંબાજી પોલીસ સ્ટેશનની બિલકુલ નજીક એક નશામાં ધૂત બુટલેગરે પૂર ઝડપે કાર હંકારીને બે વાહનોને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં અંબાજી દર્શનાર્થે આવેલા યાત્રિકોના વાહનોને મોટું નુકસાન પહોંચ્યું હતું. આ ઘટના બાદ પણ આરોપીઓએ પસ્તાવો કરવાને બદલે ત્યાં હાજર લોકો અને યાત્રિકો સાથે ઉગ્ર માથાકૂટ કરી ભયનું વાતાવરણ ઉભું કર્યું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો અંબાજી ગ્રામ પંચાયતના સરપંચે સોશિયલ મીડિયા પર વાયરલ કરીને પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
યાત્રાધામમાં યાત્રિકો અસુરક્ષિત?
અકસ્માત અને હોબાળાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિને થાળે પાડી હતી. સરપંચના જણાવ્યા અનુસાર, પવિત્ર યાત્રાધામમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને પોલીસ સ્ટેશન પાસે જ આવી ઘટનાઓ બનવી તે ચિંતાનો વિષય છે. હાલમાં પોલીસે અકસ્માત સર્જનાર તત્વો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. યાત્રિકોની સુરક્ષા અને શાંતિ જળવાઈ રહે તે માટે આવા તત્વો સામે કડક પગલાં ભરવાની માંગ ઉઠી રહી છે.
આ પણ વાંચો : Anand News : માનવ જિંદગીની કિંમત શૂન્ય? દુર્ઘટના બાદ પાદરા અને આંકલાવ મામલતદાર વચ્ચે ‘ખો’ની રમત