android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ambaji News : ભાદરવી પૂનમે 52 ગજની ધજા લઈને અંબાજી જવાના હોય તો આ સમાચાર તમારી માટે છે

calendar_todaySeptember 9, 2026

Ambaji News : ભાદરવી પૂનમે 52 ગજની ધજા લઈને અંબાજી જવાના હોય તો આ સમાચાર તમારી માટે છે

માં અંબાના પવિત્ર ધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળો આગામી 20 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર 2026 સુધી યોજાનાર છે. વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. આ સાત દિવસીય મહામેળામાં ગુજરાત જ નહીં પરંતુ દેશ-વિદેશથી લાખોની સંખ્યામાં માઈભક્તો અંબાજી માતાના દર્શનાર્થે પદયાત્રા કરીને આવે છે.આ મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. માં અંબાના ભક્તો માટે મંદિર ટ્રસ્ટ તરફથી એક નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. માં અંબાના મંદિરના શીખર પર ચઢાવવામાં આવતી 52 ગજની ધજા હવે નહીં ચઢાવી શકાય.

ધજા માટે અગાઉ લેવાયેલો નિર્ણય યથાવત

અંબાજી મંદિરમાં અગાઉ લેવાયેલો મહત્વનો નિર્ણય આગામી ભાદરવી પૂનમ મહામેળામાં પણ સંપૂર્ણપણે યથાવત રાખવામાં આવશે. જેથી શ્રદ્ધાળુઓ નિયમોનું પાલન કરીને સહયોગ આપે તેવી અપીલ કરવામાં આવી છે.ધજા દંડ અને યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા 5 મીટરથી મોટી ધજા મંદિરના શિખર પર ચડાવવા પર પ્રતિબંધ યથાવત રાખ્યો છે, અને માનતા મુજબ મોટી ધજા લાવનાર યાત્રિકોની ધજા સીધી માતાજીના ચરણોમાં અર્પણ કરવામાં આવશે. મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રિકોને ૫ મીટરથી મોટી ધજા શિખર માટે ન લાવવા અનુરોધ કરાયો છે તેમજ શ્રદ્ધાની ધજાનું સન્માન જાળવી તેની પવિત્રતા સુરક્ષિત રહે તથા ધજા જમીન પર ન ઢસડાય તેનું વિશેષ ધ્યાન રાખવા તાકીદ કરાઈ છે.

સેવા કેમ્પો માટે ઓનલાઈન નોંધણી ફરજિયાત

આગામી ભાદરવી પૂનમ મહામેળામાં પદયાત્રીઓની સેવા માટે રસ્તામાં અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવે છે.અંબાજી મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે મહામેળા દરમિયાન જે સંસ્થાઓ, ટ્રસ્ટો કે મંડળોએ સેવા કેમ્પ યોજવા હોય તેમણે ફરજિયાતપણે ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે.આ માટે અંબાજી મંદિર ટ્રસ્ટની સત્તાવાર વેબસાઈટ www.ambajitemple.in પર ખાસ ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે.ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આયોજકોએ રજિસ્ટ્રેશન ફોર્મ તેમજ ફાયર સેફ્ટીનું સ્વ બાંહેધરી પત્રક પ્રિન્ટ કરીને SDM કચેરી, દાંતા ખાતે સમયસર જમા કરાવવાનું રહેશે.ત્યારબાદ એસ.ડી.એમ.કચેરી દ્વારા સેવા કેમ્પના પ્રસ્તાવિત સ્થળ અને રજૂ કરાયેલા દસ્તાવેજોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવશે. તમામ નિયમો અને શરતોનું યોગ્ય પાલન કરનાર અધિકૃત સેવા કેમ્પોને જ તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવશે. 

આ પણ વાંચોઃ Rajkot News: લોધિકા સંઘની ચૂંટણીમાં અરવિંદ રૈયાણીનો પરાજય, માધાપર બેઠક પર વિજય સખીયાની જીત