android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ambaji News : ભક્તોને મળશે શુદ્ધ અને સાત્વિક ભોજન! ફૂડ સેફ્ટી વાન દોડતી થઈ, 83 સેમ્પલનું ઓન-ધ-સ્પોટ ચેકિંગ

calendar_todaySeptember 2, 2026

Ambaji News : ભક્તોને મળશે શુદ્ધ અને સાત્વિક ભોજન! ફૂડ સેફ્ટી વાન દોડતી થઈ, 83 સેમ્પલનું ઓન-ધ-સ્પોટ ચેકિંગ

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે યોજાનારા મિની કુંભ સમાન ભાદરવી પૂનમના મહામેળા અગાઉ બનાસકાંઠા જિલ્લાનું ફૂડ સેફ્ટી તંત્ર સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે. મહામેળા દરમિયાન દેશ-વિદેશમાંથી આવતા લાખો માઈભક્તો અને પદયાત્રીઓને શુદ્ધ અને સલામત ભોજન મળી રહે તે હેતુથી અંબાજી અને આસપાસના વિસ્તારમાં ફૂડ વિભાગ દ્વારા વ્યાપક તપાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ફૂડ સેફ્ટી વાન સાથેની ખાસ ટુકડીએ અંબાજી વિસ્તારની કુલ 72 જેટલી ખાદ્ય પેઢીઓ અને દુકાનોમાં અચાનક દરોડા પાડીને સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.

83 સેમ્પલનું સ્થળ પર ટેસ્ટિંગ, બળેલું તેલ અને કલરનો કરાયો નાશ

આ તપાસ ઝુંબેશ દરમિયાન ફૂડ સેફ્ટી વાનની મોબાઈલ લેબ દ્વારા વિવિધ ખાદ્ય સામગ્રીના 83 જેટલા સેમ્પલનું સ્થળ પર જ તાત્કાલિક ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન સ્વાસ્થ્ય માટે હાનિકારક એવા 7 લીટર બળેલા (દાઝિયા) તેલ, 3 કિલો અખાદ્ય પેપર અને 2 ડબ્બી જેટલા સિન્થેટિક કલરનો જથ્થો મળી આવતાં અધિકારીઓએ તેનો સ્થળ પર જ તુરંત નાશ કર્યો હતો. અખાદ્ય પદાર્થોનું વેચાણ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા વેપારીઓને કડક ચેતવણી પણ આપવામાં આવી હતી.

યાત્રાળુઓના આરોગ્યની સુરક્ષા માટે તંત્રની કડક ઝુંબેશ

ભાદરવી પૂનમના મહામેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે, ત્યારે તેમના સ્વાસ્થ્યની સુરક્ષા જળવાઈ રહે તે તંત્ર માટે પ્રાથમિકતા છે. જિલ્લા તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે મેળાના સમયગાળા દરમિયાન પણ આ પ્રકારનું સરપ્રાઈઝ ચેકિંગ સતત ચાલુ રાખવામાં આવશે. કોઈ પણ વેપારી મિલાવટી કે અખાદ્ય સામગ્રી વેચતો પકડાશે તો તેની સામે ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આકરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો : Bhavnagar News : કોઈ નોટિસ આપ્યા વગર જ તોડી પાડ્યા દબાણો! કુંભારવાડામાં ડિમોલેશન સામે સ્થાનિકોમાં ભારે રોષ