calendar_todayOctober 16, 2026
Amreli : જાફરાબાદના લુણસાપુરમાં સરકારી શાળાના શિક્ષકે13 વર્ષની છાત્રાનું શિયળ લૂંટયું, ધરપકડ
અમરેલી જિલ્લામાં જાફરાબાદના છેવાડા વિસ્તારમાં આવેલી સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક માસુમ વિદ્યાર્થિનીઓને ચા બનાવવાના બહાને સ્ટાફ્ રૂમમાં બોલાવીને 6 મહિનાથી શારીરિક શોષણ કરતો હતો અને એક 13 વર્ષની વિદ્યાર્થીની સાથે તેના જન્મ દિને સરકારી શાળામાં જ બળાત્કાર ગુજાર્યો હતો. બીજી ત્રણ બાળાઓ સાથે પણ ઘણા સમયથી અડપલા કરતો હતો. બાળાઓએ હિંમત દાખવીને અવાજ ઉઠાવતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે. પોલીસે શિક્ષક સામે ગુનો નોંધીને તાત્કાલિક ધરપકડ કરી છે. આ ઘટના અંગે પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લુણસાપુરમાં રહેતા 35 વર્ષના વેપારી અને ખેડૂત એવા છાત્રાના પિતાએ શિક્ષક રામશંકરભાઈ બટુકભાઈ પંડયા સામે ફરિયાદ નોંધાવી છે. શિક્ષક હાલ લુણસાપુરના પ્લોટ વિસ્તારમાં રહે છે અને મૂળ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વેળાવદર ગામનો વતની છે. જૂન-2026માં શાળાનું સત્ર શરૂ થયું ત્યારથી 15 ઑક્ટોબર, 2026 સુધીના સમયગાળામાં સગીર બાળકી સાથે જાતીય સતામણી કરવામાં આવી હતી. બાળકીની ઉંમર 13 વર્ષ, બે મહિના અને 25 દિવસ છે. શિક્ષક રિસેસના સમયમાં ચા બનાવવાના બહાને છાત્રાઓને સ્ટાફ્ રૂમમાં બોલાવતો હતો અને પછી તેમનું શારીરિક શોષણ કરતો હતો. અડપલાં કરી જાતીય સતામણી કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ ઉપરાંત 21 જુલાઈ, 2026ના 13 વર્ષીય વિદ્યાર્થીનીના જન્મદિવસે લુણસાપુરની સરકારી પ્રાથમિક શાળામાં તેની મરજી વિરુદ્ધ બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો. આ ઉપરાંત અન્ય ત્રણ સગીર વિદ્યાર્થિનીઓ સાથે પણ શારીરિક અડપલાં અને જાતીય સતામણી કરવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે પોક્સો સહિતની લાગુ પડતી કાયદાકીય જોગવાઈઓ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો