calendar_todayOctober 2, 2026
Amreli: અરજણસુખમાં એક પછી એક 4 લોકો પર સિંહણે હુમલો કર્યો, ગામમાં ભારે ફફડાટ!
અમરેલી જિલ્લાના વડિયા પંથકમાં વનરાજોનો માનવ વસ્તી પર હુમલો થવાનો અત્યંત ભયાનક અને ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે. વડિયા તાલુકાના અરજણસુખ ગામ અને તેની આસપાસના સીમ વિસ્તારમાં એક સિંહણ અચાનક હિંસક બની ગઈ છે. માણસોને જોતાં જ દોટ મૂકી હુમલો કરતી આ સિંહણે અત્યાર સુધીમાં કુલ 4 નિર્દોષ લોકોને પોતાના પંજાનો શિકાર બનાવી લોહીલુહાણ કરી દેતાં સમગ્ર પંથકમાં દહેશતનો માહોલ ફેલાઈ ગયો છે.
બાઈક સવાર યુવકો પર જીવલેણ હુમલો
પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, બે યુવકો મોટરસાઇકલ પર સવાર થઈને અરજણસુખ ગામથી તોરી ગામ તરફ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન અરજણસુખથી બાયપાસ પાટિયા વચ્ચેના રસ્તા પર અચાનક ઝાડીઓમાંથી ધસી આવેલી સિંહણે ચાલતા બાઈક પર સીધી તરાપ મારી હતી.આ અણધાર્યા હુમલામાં એક યુવકના હાથ પર અને બીજા યુવકના પગના ભાગે સિંહણે ઊંડા ઘા માર્યા હતા. બંને લોહીલુહાણ હાલતમાં જેમ-તેમ જીવ બચાવીને ભાગ્યા હતા. ઈજાગ્રસ્ત યુવકોને તાત્કાલિક વડિયા સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે અમરેલી રિફર કરવામાં આવ્યા છે.
સીમ વિસ્તારમાં વધુ બે લોકો પર હુમલો
આ ઘટનાની શાહી હજી સુકાઈ ન હતી ત્યાં મોડી રાત બાદ અરજણસુખ સીમ વિસ્તારમાં કામ કરતા અન્ય વધુ 2 વ્યક્તિઓ પર પણ સિંહણે હુમલો કરી દીધો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ, સિંહણ માણસોને જોતાં જ આક્રમક બનીને હુમલો કરવા દોડી રહી છે, જેના કારણે ગ્રામજનોમાં ભારે અફરાતફરી સર્જાઈ છે. લોકો ખેતરોમાં જતાં પણ થરથર કાંપી રહ્યા છે.
વન વિભાગનો મોટો કાફલો તૈનાત
આ ગંભીર પરિસ્થિતિની જાણ થતાં જ વન વિભાગની ટીમો હરકતમાં આવી ગઈ છે. ACFના જણાવ્યા અનુસાર, સ્થિતિની ગંભીરતા જોતાં વન વિભાગનો મોટો કાફલો ઘટનાસ્થળે રવાના કરી દેવાયો છે. હિંસક બનેલી સિંહણને તાત્કાલિક ટ્રાન્ક્વીલાઈઝ (બેહોશ) કરી પાંજરે પૂરવા માટે વેટરનરી ડોક્ટરોની સ્પેશિયલ ટીમ પણ બોલાવાઈ છે. ગ્રામજનોને સીમ વિસ્તારમાં એકલા ન નીકળવા કડક સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો: Dwarka: કલ્યાણપુરના માદેવીયા ગામે કૌટુંબિક ભાઈઓ વચ્ચે ધડાધડ ફાયરિંગ, 2 લોકો લોહીલુહાણ