calendar_todayAugust 8, 2026
Amreli News: જાફરાબાદમાં સિંહના હુમલામાં જીવ ગુમાવનારના પરિવારને 10 લાખની સહાય
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં આવેલા ભાકોદર-વારાસરુપ માર્ગ પર દોઢ મહિના અગાઉ એક અત્યંત કરૂણ દુર્ઘટના ઘટી હતી. ભાકોદર ગામના રહીશ ભરત માધાભાઈ બારીયા પર અચાનક સિંહે હુમલો કરી દીધો હતો. આ ગંભીર હુમલામાં ભરતભાઈનું ઘટના સ્થળે જ અકાળે મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ વિસ્તારમાં અરેરાટી સાથે ભારે રોષ વ્યાપી ગયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરીને હુમલો કરનાર સિંહને પાંજરે પૂર્યો હતો.
ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની રજૂઆત બાદ વન વિભાગની તપાસ
આ કરૂણ બનાવ બાદ રાજુલા-જાફરાબાદના લોકપ્રિય ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ ઘટનાની ગંભીર નોંધ લીધી હતી. તેમણે વન વિભાગ અને ઉચ્ચ તંત્રને સમગ્ર બનાવની ઝીણવટભરી અને ઝડપી તપાસ કરવા સૂચના આપી હતી, તેમજ પીડિત પરિવારને નિયમાનુસાર વળતર અને નાણાકીય સહાય મળે તે માટે ભારપૂર્વક રજૂઆત કરી હતી. વન વિભાગની તપાસના અંતે સમર્થન મળ્યું હતું કે, ભરતભાઈનું મોત સિંહના હુમલાથી જ થયું હતું.
પીડિત પરિવારને રૂ. 10 લાખની સહાયનો ચેક અર્પણ કરાયો
તપાસ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મૃતક ભરતભાઈના આશ્રિત પરિવારને આર્થિક ટેકો મળી રહે તે હેતુથી રૂ. 10 લાખની નાણાકીય સહાય મંજૂર કરવામાં આવી હતી. એક વિશેષ કાર્યક્રમમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, ટીંબી યાર્ડના પ્રમુખ ચેતનભાઈ શિયાળ, જિલ્લા પંચાયતના સદસ્ય કરસનભાઈ ભીલ તેમજ જાફરાબાદ રેન્જના ફોરેસ્ટર અને વન વિભાગના કર્મચારીઓની ઉપસ્થિતિમાં મૃતકના સ્વજનોને રૂ. 10 લાખની સહાયનો ચેક વિધિવત રીતે અર્પણ કરવામાં આવ્યો હતો.
પરિવારે ધારાસભ્ય અને વન વિભાગનો આભાર માન્યો
ઘરનો મોભી ગુમાવી ચૂકેલા પરિવારે મુશ્કેલ સમયમાં મળેલી આ આર્થિક સહાય બદલ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, વન વિભાગ અને સમગ્ર સરકારી તંત્રનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ નાણાકીય સહાયથી પીડિત પરિવારને ભવિષ્યમાં થોડો આર્થિક આશરો મળી રહેશે.
આ પણ વાંચો - Amreli Train Accident: રાજુલા નજીક મોડી રાતે ટ્રેન અકસ્માત, બંને રેલવે લાઈન બંધ, ક્રેનની મદદથી કામગીરી શરૂ