calendar_todayMay 2, 2026
Amreli News: ધારીના ફર્ન રિસોર્ટમાં તસ્કરનો હાથફેરો, લગ્ન પ્રસંગમાં આવેલા મહેમાનના રૂ.11.50 લાખના દાગીનાની ચોરી
અમરેલી જિલ્લાના ધારી નજીક આવેલા સુપ્રસિદ્ધ 'ફર્ન હોટલ એન્ડ રિસોર્ટ'માં સુરક્ષા વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી ચોરીની મોટી ઘટના સામે આવી છે. રિસોર્ટમાં આયોજિત એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવેલા મહેમાનના રૂમમાંથી તસ્કરો અંદાજે 11.5 લાખ રૂપિયાની કિંમતના સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા છે. આ હાઈ-પ્રોફાઈલ ચોરીની ઘટનાને પગલે રિસોર્ટમાં રોકાયેલા અન્ય મહેમાનો અને પરિવારમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
હોટેલની સિક્યુરિટીની લાપરવાહીને કારણે થઈ ચોરી
ચોરીની આ સમગ્ર ઘટના હોટલના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે એક અજાણ્યો તસ્કર રિસોર્ટની સુરક્ષા દીવાલ કૂદીને અંદર પ્રવેશ્યો હતો અને અત્યંત સાવધાનીપૂર્વક મહેમાનના રૂમમાં ઘૂસ્યો હતો. તસ્કરે રૂમમાં રાખેલા કિંમતી ઘરેણાં અને રોકડ પર હાથફેરો કર્યો હતો. રિસોર્ટ જેવી સુરક્ષિત ગણાતી જગ્યાએ તસ્કર આટલી સહેલાઈથી દીવાલ કૂદીને અંદર પ્રવેશી ગયો તે ઘટનાએ હોટલ મેનેજમેન્ટની સુરક્ષા વ્યવસ્થા અને સિક્યુરિટી ગાર્ડ્સની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
લાખોની ચોરીને લઇ ધારી પોલીસે તપાસ હાથ ધરી
ભોગ બનનાર મહેમાનોએ હોટલની સિક્યુરિટીની લાપરવાહીને આ ચોરી માટે જવાબદાર ઠેરવી છે. લાખોની ચોરી અંગેની જાણ થતા જ ધારી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરીને તસ્કરની ઓળખ મેળવવાના ચક્રો ગતિમાન કર્યા છે. આટલા મોટા અને લક્ઝરી રિસોર્ટમાં પૂરતી સુરક્ષા કેમ નહોતી અને તસ્કર કઈ રીતે અંદર ઘૂસ્યો તે દિશામાં પણ પોલીસ દ્વારા જીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તેને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી દરોડા શરૂ કર્યા છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો