calendar_todayAugust 30, 2026
Amreli News: તાજપરના હંસાબેન ગોદડા વેચીને કરે છે લાખોની કમાણી, 7 દેશોમાં કરે છે વેપાર
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના અંતરિયાળ તાજપર ગામની વસ્તી માત્ર 1200 ની છે. આ નાનકડા અને ઇન્ટરનેટ વિહોણા ગામની એક મહિલાએ પોતાના હુન્નર અને મહેનતના જોરે એવી સિદ્ધિ મેળવી છે કે, તેના પરંપરાગત ગોદડાની માગ હવે સાત દેશોમાં બોલાઈ રહી છે. તાજપરના હંસાબેન દાનસંગભાઈ રાઠોડે માત્ર 6 મહિના પહેલા શરૂ કરેલા ગોદડા શિવવાના વ્યવસાયે દેશના સીમાડા વટાવીને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુણવત્તા અને સ્વ-રોજગારીની નવી મિસાલ કાયમ કરી છે.
ધોરણ 2 પાસ 55 વર્ષીય હંસાબેનની પ્રેરણાદાયી શરૂઆત
55 વર્ષની ઉંમર ધરાવતા હંસાબેન રાઠોડે માત્ર ધોરણ-2 સુધીનો જ અભ્યાસ કર્યો છે. 25 વીઘા ખેતીની જમીન ધરાવતા હંસાબેને ખેતીની સાથે કંઈક અલગ કરવાનો વિચાર કર્યો. તેમણે ઘરમાં જ એક ગોદડું બનાવ્યું અને તેમના પુત્રની મદદથી સોશિયલ મીડિયાના માધ્યમથી તેનો ફોટો વાયરલ કર્યો. હંસાબેને બનાવેલું પ્રથમ ગોદડું સુરતમાં વેચાયું હતું. ગુણવત્તા ઉત્તમ હોવાના કારણે ગ્રાહકોની માગ વધતી ગઈ અને આજે આ ગોદડા ભારત ઉપરાંત અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ઓમાન અને દુબઈ જેવા વિવિધ દેશોમાં પહોંચ્યા છે. અત્યાર સુધીમાં 600 થી વધુ ગોદડાં વિદેશમાં મોકલવામાં આવ્યા છે.

ગુણવત્તા અને કિંમતનું સચોટ ગણિત
હંસાબેનના ગોદડા તેની મજબૂતાઈ અને સુંદર સીવણ કામ માટે જાણીતા છે. દરરોજ આશરે 15 જેટલા અને મહિનામાં 400 થી 600 ગોદડાનું વેચાણ થાય છે.

- ગોદડાની કિંમત: ગુજરાતમાં 1 ગોદડાની કિંમત રૂ.1800, ગુજરાત બહાર ભારતના અન્ય રાજ્યોમાં રૂ. 2200 અને વિદેશમાં મૂળ કિંમત રૂ.1800 (કુરિયર ચાર્જ અલગ) રાખવામાં આવી છે.
- કાચા માલનો વપરાશ: એક ગોદડું તૈયાર કરવામાં 5 મીટર કાપડ (રૂ.55 થી રૂ.140 પ્રતિ મીટર) અને 1.5 કિલો સૂતી કોટન રૂ અથવા પોલ રૂ (રૂ.150 થી રૂ.200 પ્રતિ કિલો) નો ઉપયોગ થાય છે.

25 જેટલી મહિલાઓને આપી રોજગારી, આત્મનિર્ભર ભારતનું બતાવ્યું ઉદાહરણ
હંસાબેનની આ સફળતા માત્ર પોતાના પૂરતી સીમિત નથી રહી, પરંતુ તેમણે ગામની 20 થી 25 જેટલી મહિલાઓને ગોદડા ભરવા અને સીવવાની કામગીરી સોંપીને રોજગારી પૂરી પાડી છે. ગોદડાની ડિઝાઈન, રૂ ભરાણ અને સીવણ માટે પ્રતિ ગોદડું રૂ.300 મજૂરી આપવામાં આવે છે. રોજ બે ગોદડાં બનાવીને મહિલાઓ પ્રતિદિન રૂ.600 સુધીની કમાણી કરી આત્મનિર્ભર બની રહી છે.

સફળતા માટે ડિગ્રી નહીં પણ હુન્નર જરૂરી
તાજપર ગામની આ સફળતા સાબિત કરે છે કે, વ્યાવસાયિક સફળતા માટે મોટી ડિગ્રીઓ કે મોટા શહેરોની જરૂર નથી હોતી. જો હાથમાં કૌશલ્ય, કામ પ્રત્યેની લગન અને ગુણવત્તા જાળવવાનો સંકલ્પ હોય તો નાના ગામડામાંથી પણ આંતરરાષ્ટ્રીય કક્ષાની બ્રાન્ડ ઊભી કરી શકાય છે. ખેતી સાથે પરંપરાગત કળાને જોડીને હંસાબેન રાઠોડે આખા પંથકનું નામ રોશન કર્યું છે.

આ પણ વાંચો - Amreli: લાઠી-દામનગરમાં સગીરા પર સામુહિક દુષ્કર્મ, 4 નરાધમો સામે POCSO હેઠળ ગુનો નોંધાયો