calendar_todayMay 13, 2026
Amul દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રુપિયાનો વધારો, જાણો કાલ સવારથી અમૂલ ગોલ્ડ, તાજા અને શક્તિના નવા ભાવ
મોંઘવારીના જમાનામાં સામાન્ય જનતાના ખિસ્સા પર વધુ એક બોજ પડવા જઈ રહ્યો છે. ડેરી ઉદ્યોગની દિગ્ગજ કંપની 'અમૂલ' (Amul) દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયા સુધીનો વધારો ઝીંકવામાં આવ્યો છે. પેકેજીંગ મટીરીયલ અને દૂધની ખરીદ કિંમતમાં થયેલા વધારાને કારણે કંપનીએ આ નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે. આ નવા ભાવ આવતીકાલ સવારથી જ અમલી બનશે, જેના કારણે હવે ગૃહિણીઓનું બજેટ ખોરવાશે અને ચાનો ઘૂંટડો પણ કડવો બનશે.
જાણો કયા દૂધમાં કેટલો વધારો થયો?
અમૂલના વિવિધ બ્રાન્ડના દૂધના 500 મિલી અને 1 લિટરના પેકેટ પર ભાવ વધારો લાગુ કરવામાં આવ્યો છે:
અમૂલ બફેલો: 500 મિલીના ₹37ને બદલે હવે ₹39 ચૂકવવા પડશે.
અમૂલ ગોલ્ડ: 500 મિલીનો ભાવ ₹34થી વધીને ₹35 થયો છે, જ્યારે 1 લિટરનો ભાવ ₹67થી વધી ₹69 થયો છે.
અમૂલ શક્તિ: 500 મિલીના ભાવમાં ₹1નો વધારો થતા નવો ભાવ ₹32 થયો છે.
અમૂલ તાજા: 500 મિલીના ₹28ના બદલે ₹29 અને 1 લિટરના ₹55ને બદલે ₹57 ચૂકવવા પડશે.
અમૂલ ટી સ્પેશિયલ: 500 મિલીનો ભાવ ₹32થી વધી ₹33 અને 1 લિટરનો ભાવ ₹63થી વધીને ₹66 થયો છે.
ઓપરેશનલ કોસ્ટમાં વધારો
અમૂલ દ્વારા કરવામાં આવેલા આ ભાવ વધારાની સીધી અસર હોટલ-રેસ્ટોરન્ટ અને સામાન્ય મધ્યમવર્ગીય પરિવારો પર પડશે. ઉલ્લેખનીય છે કે ઓપરેશનલ કોસ્ટમાં વધારો થવાના કારણે સહકારી ડેરીએ ભાવ વધારવાની ફરજ પડી હોવાનું જણાવ્યું છે.
આ પણ વાંચો---- Gandhinagar : પોલીસ હવે આરોપીઓને મુર્ગો નહીં બનાવી શકે, જાહેરમાં સરઘસ કાઢવા, કાન પકડાવવા કે ઉઠક-બેઠક કરાવવા પર લાગી રોક