android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Anand : કરમસદ-આણંદ મનપાના મેલેરિયા વિભાગની તવાઈ

calendar_todayOctober 8, 2026

Anand : કરમસદ-આણંદ મનપાના મેલેરિયા વિભાગની તવાઈ

કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા મચ્છરજન્ય રોગચાળાને કાબૂમાં લેવા માટે શરૂ કરાયેલી ઝુંબેશ અંતર્ગત શહેરમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. મેલેરિયા વિભાગની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં કરવામાં આવેલા સર્વે દરમિયાન મચ્છરના પોરા મળી આવતા 7 એકમો સામે કાર્યવાહી કરી કુલ રૂ.17,000નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. તંત્રની તવાઈથી નર્કાગારની સ્થિતિ સર્જતા તેમજ સફાઈમાં બેદરકારી દાખવનારા લોકોમાં ફફડાટની લાગણી પ્રસરી હતી. મહાનગરપાલિકાના મેલેરિયા વિભાગ દ્વારા શહેરમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોના ફેલાવાને અટકાવવા માટે વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન કેટલાક સ્થળોએ પાણીનો ભરાવો જોવા મળ્યો હતો. આ ઉપરાંત ભરાયેલા પાણીમાં મચ્છરના જીવંત પોરા મળી આવતા સંબંધિત 7 એકમો સામે નિયમોનુસાર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. પાલિકાની ટીમે વિવિધ એકમો તથા આસપાસના વિસ્તારોમાં પાણીના ભરાવા અંગે તપાસ કરી હતી. જ્યાં મચ્છરના સંવર્ધન માટે અનુકૂળ પરિસ્થિતિ જોવા મળી હતી ત્યાં સ્થળ પર જ કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરીથી મચ્છરના ઉપદ્રવને અટકાવવા તંત્ર દ્વારા બેદરકારી દાખવનાર એકમોને ચેતવણી સાથે દંડ ફ્ટકારવામાં આવ્યો છે. મહાનગરપાલિકાએ શહેરના નાગરિકો, વેપારીઓ અને સંસ્થાઓને અપીલ કરી છે કે પોતાના રહેણાંક તથા વ્યવસાયિક પરિસરમાં બિનજરૂરી પાણીનો ભરાવો ન થાય તેની ખાસ તકેદારી રાખે. ખુલ્લા પાત્રો, કુંડા, ટાયરો સહિતની વસ્તુઓમાં લાંબા સમય સુધી પાણી ભરાયેલું રહે તો તેમાં મચ્છરોના પોરા ઉત્પન્ન થવાની શક્યતા રહે છે. તેથી આવા સ્થળોએ નિયમિત સફાઈ કરી પાણીનો ભરાવો અટકાવવો જરૂરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો