android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Anand : લિંબાલી પ્રાથમિક શાળાના આચાર્યની ઓફિસમાંથી 50 ખાલી અને દારૂની બોટલ મળતા ખળભળાટ

calendar_todayAugust 17, 2026

Anand : લિંબાલી પ્રાથમિક શાળાના આચાર્યની ઓફિસમાંથી 50 ખાલી અને દારૂની બોટલ મળતા ખળભળાટ

આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકામાંથી સમગ્ર શિક્ષણ આલમને કલંકિત કરતી અને શરમજનક ઘટના સામે આવી છે. લિંબાલી ગામની સરકારી પ્રાથમિક શાળામાં ખુદ આચાર્યની ચેમ્બર જ દારૂનો અડ્ડો બની ગઈ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. શાળાના પ્રિન્સિપાલની ઓફિસની તિજોરીમાંથી વિદેશી દારૂની બ્રાન્ડેડ બોટલો મળી આવતાં આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર અને લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.

દારૂની 50 જેટલી ખાલી બોટલો મળી આવી 

મળતી વિગતો અનુસાર, આચાર્યની ઓફિસની તિજોરીમાંથી વિદેશી દારૂની 50 જેટલી ખાલી બોટલો મળી આવી હતી, જ્યારે ટેબલ ઉપરથી અડધી ભરેલી દારૂની બોટલ પણ મળી આવી હતી. 

સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ

વિદ્યાના ધામમાં આચાર્ય દ્વારા આ રીતે ખુલ્લેઆમ દારૂ પીવાની અને મહેફિલો માણવાની ઘટના સામે આવતાં જ સોજીત્રાના ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તાત્કાલિક હરકતમાં આવ્યા હતા. તેમણે આ મામલે વિધિવત રીતે સ્થાનિક પોલીસ મથકે પહોંચીને લેખિત ફરિયાદ નોંધાવી હતી.

આચાર્ય સુરેશ મગનભાઈ માછી સામે કાર્યવાહી

શિક્ષણ અધિકારીની ફરિયાદના આધારે પોલીસે શાળાના આચાર્ય સુરેશ મગનભાઈ માછી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વિદ્યાના ધામમાં આ રીતે દારૂની બોટલો મળી આવતાં વાલીઓ અને ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને લોકો આચાર્ય સામે ફિટકાર વરસાવી રહ્યા છે.

શિક્ષણ જગત શર્મસાર 

આ ઘટનાએ સમગ્ર શિક્ષણ જગતને શર્મસાર કરી દીધું છે. નાના બાળકો જ્યાં સંસ્કાર અને શિક્ષણ મેળવવા આવે છે, તે જ સ્થળે આચાર્યની આવી શરમજનક કરતૂત સામે આવતાં તંત્ર દ્વારા આચાર્ય વિરુદ્ધ કડકમાં કડક ખાતાકીય પગલાં ભરવાની તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે.   



આ પણ વાંચો  :    Patan : લોકગાયિકા કિંજલ રબારીએ પ્રભુતામાં પગલાં માંડ્યા, ભુતકાળ ભુલી આ યુવક સાથે કર્યા લગ્ન