calendar_todaySeptember 17, 2026
Anand : 6 કરોડથી વધુ શ્રીજીની પ્રતિમાનું વેચાણ
આણંદ જિલ્લામાં નાની-મોટી મળીને કુલ 1,079 ગણેશ પ્રતિમાઓની સ્થાપનાના આંકડા વચ્ચે આ વર્ષે અંદાજે રૂા. 6 કરોડથી વધુની ગણેશજીની પ્રતિમાઓનું વેચાણ થયું હોવાની માહિતી સામે આવી છે. બીજી તરફ મંડપ, ડેકોરેશન, લાઈટીંગ, સાઉન્ડ, ફૂલ, પૂજાપો, પ્રસાદ, બાપ્પાના વસ્ત્રો, શણગાર સામગ્રી, પ્રિન્ટીંગ અને પરિવહન સહિતના ખર્ચને ધ્યાને લેતા ગણેશોત્સવ સાથે સંકળાયેલી કુલ મોસમી આર્થિક હલચલ રૂા. 9.50થી 11 કરોડની આસપાસ પહોંચતી હોવાનો અંદાજ લગાવી શકાય છે.આસ્થા સાથે આણંદ જિલ્લામાં ઉત્સવ ઈકોનોમી પણ પૂરજોશમાં ધમધી રહી છે.
જિલ્લાના ઉપલબ્ધ આંકડા મુજબ આણંદમાં 43 સંવેદનશીલ અને 1,036 બિનસંવેદનશીલ મળીને 1,079 ગણેશ પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે. આણંદ અને વિદ્યાનગર સહિત જિલ્લાના વિવિધ શહેરો અને ગામોમાં સાર્વજનિક ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે. ખાસ કરીને આણંદ અને વિદ્યાનગરમાં સાર્વજનિક ગણેશ મહોત્સવને વર્ષના મોટા ઉત્સવોમાં સ્થાન મળ્યું છે. વિશાળ પંડાલો, આકર્ષક સજાવટ, રોશની, સાઉન્ડ સિસ્ટમ અને વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો વચ્ચે મંગલમૂર્તિની આરાધના થઈ રહી છે. સમગ્ર જિલ્લા પૈકી આણંદ અને વિદ્યાનગરમાં છેલ્લા બે દશકાથી જોઈએ તો ગણેશોત્સવની ભવ્યતા માત્ર સ્થાપના અને આરતી પૂરતી મર્યાદિત રહી નથી. કારણ કે અનંત ચૌદશની વિસર્જન યાત્રા પણ બંને શહેરમાં વર્ષોની પરંપરા મુજબ એક મોટા લોકોત્સવનું રૂપ ધારણ કરી ચૂકી હોવાનું સ્થાનિકો જણાવે છે. આ વર્ષે રૂા. 6 કરોડથી પણ વધુની ગણેશ પ્રતિમાઓનું વેચાણ થયું હોવાનો અંદાજ સામે આવતા ગણેશોત્સવની આર્થિક અસરનો વ્યાપ કેટલો છે તેનો પણ અંદાજ મળે છે. સાર્વજનિક ગણેશોત્સવમાં જ 1,079 પ્રતિમાઓ સામે રૂા. 6 કરોડનો આંકડો મૂકીએ તો પ્રતિ સ્થાપના સરેરાશ રૂા. 55 હજારથી વધુની મૂર્તિની કિંમત થવા જાય છે. જોકે, મોટી અને નાની પ્રતિમાઓની કિંમતમાં તફાવત હોય છે. પરંતુ મૂર્તિની ખરીદી બાદ ભવ્ય પંડાલ અને ડેકોરેશન, લાઈટીંગ, સાઉન્ડ, ફૂલહાર, પૂજાપો, પ્રસાદ, ગણપતિ દાદાના વસ્ત્રો અને શણગાર, બેનર, ફ્લેક્સ, વાહન વ્યવહાર તથા અન્ય સેવાઓ પાછળ પણ ખર્ચ થાય છે. આ તમામ પ્રવૃત્તિઓને રૂઢ ગણતરીમાં લેવામાં આવે તો મૂર્તિના રૂા. 6 કરોડ ઉપરાંત અંદાજે રૂા. 3.50 કરોડથી પ કરોડની વધારાની મોસમી આર્થિક હલચલ સર્જાતી હોવાનું અનુમાન કરી શકાય છે. એટલે સમગ્ર ઉત્સવ સાથે જોડાયેલો વ્યવહાર રૂા. 9.50 કરોડથી રૂા. 11 કરોડની આસપાસ પહોંચતો હોવાનો અંદાજ આંકી શકાય છે. આ વર્ષે આણંદ જિલ્લામાં ગણેશોત્સવના પાંચમા દિવસથી પ્રતિમાઓનું વિસર્જન શરૂ થશે. જે અનંત ચૌદસ સુધી ચાલશે. સૌથી વધુ 630 મૂર્તિઓનું વિસર્જન અનંત ચૌદસના રોજ થશે. આગલા દિવસે અન્નકૂટોત્સવ અંતર્ગત દુંદાળાદેવને મિઠાઈ, ફરસાણ સહિતના મહાપ્રસાદના ભોગ ધરાવવામાં આવશે. બાદમાં બીજા દિવસે ડીજે અને બેન્ડવાજા સાથે વાજતેગાજતે ભવ્ય વિસર્જન યાત્રા નીકળશે. આણંદ શહેરમાં સરેરાશ આઠ કિ.મી. જેટલો લાંબો યાત્રાનો રૂટ હોવાનું જાણકારો જણાવે છે. જેમાં આશરે 23 હજાર કરતા પણ વધુ લોકો જોડતા હોય છે. સવારથી શરૂ થયેલી વિસર્જનયાત્રા રાત્રિ સુધી ચાલતી હોય છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો