calendar_todaySeptember 10, 2026
Anandમાં વિદેશ મોકલવાના બહાને 80 લાખની ઠગાઈ: ક્રિષ્ના ઓવરસીસના નામે 'બંટી-બબલી'એ ફુલેકુ ફેરવ્યું
આણંદ શહેરમાં વિદેશ જવાની ઘેલછા ધરાવતા લોકોને નિશાન બનાવી કરોડોની ઠગાઈ આચરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 'ક્રિષ્ના ઓવરસીસ' નામે એજન્સી ચલાવતા બંટી-બબલીની જોડીએ 13થી વધુ લોકોને લંડન અને યુરોપના દેશોમાં મોકલવાના બહાને રૂ.80 લાખની રકમ પડાવી લીધી હતી. નાણાં ઉઘરાવ્યા બાદ કામ ન થતાં અને ઠગાઈનો પર્દાફાશ થતાં આરોપીઓ ઓફિસને તાળા મારી ફરાર થઈ જવાની ફિરાકમાં હતા, જ્યારે મુખ્ય સૂત્રધાર હાર્દિક શાહ ફુલેકુ ફેરવીને ફરાર થઈ ગયો હતો.
પોલીસે એક મહિલાની ધરપકડ કરી
આ સમગ્ર મામલે આણંદ ટાઉન પોલીસ મથકે બંટી-બબલી સહિત ત્રણ શખ્સો વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે કાર્યવાહી કરતા અનિતા શાહ નામની મહિલા આરોપીની ધરપકડ કરી લીધી છે. જ્યારે ફરાર થઈ ગયેલા મુખ્ય આરોપી હાર્દિક શાહ અને તેના સાગરીત નંદકુમાર ઉકાણીને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને વિવિધ ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી છે.
વિદેશ જવાના ચક્કરમાં 13થી વધુ લોકો છેતરાયા
બનાવની જાણ થતાં જ ઠગાઈનો ભોગ બનેલા લોકોના મોટા ટોળાં આણંદ ટાઉન પોલીસ મથકે ઉમટી પડ્યા હતા. લોકોએ પોતાની સાથે થયેલી છેતરપિંડી અંગે આક્રોશ વ્યક્ત કર્યો હતો. પ્રાથમિક તપાસમાં આંકડો 80 લાખ રૂપિયા દેખાઈ રહ્યો છે, પરંતુ અન્ય ઘણા લોકો પણ આ ઠગ ટોળકીનો શિકાર બન્યા હોવાની આશંકા હોવાથી છેતરપિંડીનો કુલ આંકડો હજુ વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.