calendar_todayAugust 21, 2026
Anand: દલા તરવાડી વાળી : KAMCમાં ભ્રષ્ટાચારનો ભરડો
કરમસદ આણંદ મહાપાલિકાના વહીવટીતંત્રમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે અજંપાની સ્થિતિ પ્રવર્તી રહી છે. કારણ કે અનેક વિકાસ કામોમાં ગોબાચારી અને ભ્રષ્ટાચારના પોપડા ઉખેડવાની તૈયારીઓ શરૂ થઇ હોય મહાપાલિકાના વર્ગ 2 કક્ષાના ડેપ્યુટી કમિશ્નરની ઉંઘ હરામ થઇ ગઇ છે અને તેઓનું બીપી પણ વધી રહ્યું હોવાની ચર્ચાઓ ઊઠી રહી છે. મહાપાલિકામાં સત્તામાં બેઠેલા કેટલાક પદાધિકારીઓએ શકુનિની ભુમિકા ભજવીને ફાઇલોમાં ઘરબાયેલા નાણાકીય ભ્રષ્ટાચારની હકીકતો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મનપા ભવનમાંથી રાતો રાત બહાર નીકળી જતા કેટલાક આધિકારીઓનો રક્તચાપ વધ્યો છે. તત્કાલિન કમિશ્નર મિલિંદ બાપનાના શાસનમાં કરવામાં આવેલા અનેક વિકાસના પોપડા બહાર આવવાની તૈયારીઓ થતા તેઓની ટીમમાં રહેલા અધિકારી બરાબર ભરાયા હોવાની ચર્ચાઓએ જોર પકડયુ છે. મહાપાલિકાના વર્તમાન મુખ્ય બિલ્ડીંગના રિનોવેશન પાછળ 11 કરોડનું આંધણની તપાસની માંગ કરવામાં આવી છે. આ મુદ્દે હર્ષિલ દવે દ્વારા ભ્રષ્ટાચારનો આક્ષેપ કરાયો છે અને ન્યાયિક તપાસ કરવામાં આવે તો મસમોટુ કૌભાંડ બહાર આવવાની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે. આણંદને મહાપાલિકાનો 1 જાન્યુઆરી 2025 ના રોજ દરજ્જો મળ્યા બાદ નિમાયેલા અધિકારીઓએ ફરજને પોતાની આર્થિક ઉપાર્જનનું ઘટક બનાવી આડેધડ નિર્ણયો લઇને નીતિ નિયમો નેવે મુકી પોતાની મનસુબી મુજબ મનપાનો વહીવટ કર્યો હોવાના આક્ષેપો કરાયા છે. અધિકારીઓએ વિકાસને પોતાની આવકનું સાધન બનાવી ગોબાચારી આચરી હોવાની વાત સામે આવી છે. પદાધિકારીની વરણી થયા બાદ મહાપાલિકામાં એક હોદ્દેદાર પોતાની મનસુબી મુજબ મનપાના વિવિધ વિભાગના કર્મચારી અધિકારીઓને પોતાની ચેમ્બરમાં બોલાવીને ફાઇલોમાં ગરબાયેલા મુદ્દાઓની ખણખોદ કરીને કેટલીક ફાઇલો મંગાવી ઝેરોક્ષ કાઢીને સત્તાનો સરેઆમ દુરઉપયોગ કરીને પોતાનું નિશાન પાર પાડવા અધિરા બન્યા છે. કર્મચારીઓની કૃત્રિમ હડતાલ પાછળ રાજનીતિ જવાબદાર હોવાનું ખુલ્લુ પડયુ છે. જેથી કેટલાક કર્મચારીઓ ઉચ્ચ અધિકારી સમક્ષ આંખ પણ મેળવી શકતા ન હોવાની વરવી વાસ્તવિકતા ઉજાગર થઇ છે. પરંતુ હાલમાં ભ્રષ્ટાચારની વહેતી ગંગામાં અનેકની સંડોવણી હોય કેટલાક પ્રોજેક્ટોમાં ખર્ચાયેલા નાણાની વિજિલન્સની તપાસ થાય તો અનેક અધિકારીઓને રાતો રાત ઘરભેગા થવુ પડે કે રાજીનામુ મુકી દેવુ પડે તેવી સ્થિતિ પ્રવર્તી રહી હોવાની ચર્ચાઓએ જોર પકડયું છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો