calendar_todayMay 3, 2026
Anand Nwes: પેટલાદના સિલવાઈ ગામે જૂની અદાવતમાં લોહિયાળ જંગ, સળિયા-લાકડાથી હુમલો કરી 7 લોકોને પહોંચાડી ઈજા
આણંદ જિલ્લાના પેટલાદ તાલુકામાં આવેલા સિલવાઈ ગામે જૂની અદાવતને લઈને બે જૂથો વચ્ચે હિંસક મારામારીની ઘટના સામે આવી છે. લોખંડના સળિયા અને લાકડા જેવા ઘાતક હથિયારો વડે કરવામાં આવેલા આ હુમલામાં 5 થી 7 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. જાહેરમાં થયેલી આ મારામારીને પગલે ગામમાં ચકચાર મચી ગઈ છે અને સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે.
અચાનક થયેલા હુમલામાં યુવાનો અને આધેડ લોહીલુહાણ
ઘટનાની વિગત મુજબ, સિલવાઈ ગામે અગાઉની કોઈ અદાવતનું વેર રાખીને એક પક્ષ દ્વારા બીજા પક્ષ પર સળિયા અને લાકડા વડે અચાનક હુમલો કરવામાં આવ્યો હતો. આ હિંસક અથડામણમાં યુવાનોથી લઈને આધેડ વયના વ્યક્તિઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. હુમલાખોરોએ માથાના ભાગે અને શરીરે આડેધડ ઘા ઝીંકતા અનેક લોકો લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે પેટલાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બે ગંભીર ઈજાગ્રસ્તોને વડોદરા રિફર કરાયા, પોલીસ તપાસ તેજ
પેટલાદ સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ બે ઈસમોની હાલત અત્યંત નાજુક જણાતા તેમને વધુ સારવાર માટે વડોદરાની સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો સિલવાઈ ગામે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે અને ગામમાં ફરી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ હાલ આ હુમલા પાછળના મુખ્ય સૂત્રધારોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો