calendar_todaySeptember 5, 2026
Ankleshwar: ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવને હર્ષોલ્લાસભેર વધાવ્યો
અંકલેશ્વર : અંકલેશ્વર શહેર અને પંથકમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની શ્રદ્ધા, ભક્તિ અને ભારે હર્ષોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જન્માષ્ટમીના પાવન પર્વે મધ્યરાત્રિના 12 વાગ્યે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થતાં જ શહેરના વિવિધ મંદિરોમાં જન્મોત્સવના વધામણાં લેવામાં આવ્યા હતા. આ સાથે જ સમગ્ર અંકલેશ્વર નગર નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કીના જયઘોષથી ગુંજી ઉઠયું હતું. અંકલેશ્વરના પંચાતી બજાર સ્થિત પૌરાણિક રાધા વલ્લભ મંદિર ખાતે રાત્રે 12ના ટકોરે કૃષ્ણ જન્મોત્સવનો પ્રારંભ થયો હતો. જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉલ્લાસભેર જોડાયા હતા.તેમજ જય કનૈયાલાલ કી ના જયઘોષ થી મંદિર સંકુલ ગુંજી ઉઠયુ હતુ. જન્માષ્ટમી નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં મટકી ફોડ અને દહીં હાંડીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. રાણા સ્ટ્રીટ, સમડી ફ્ળિયા, મોચીવાડ, તાડફ્ળિયા, દારૂ ફ્ળિયા સહિતના વિસ્તારો તેમજ વિવિધ સોસાયટીઓમાં ભવ્ય મટકી ફોડના કાર્યક્રમો યોજાયા હતા. આ વર્ષે દારૂ ફ્ળિયું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. અહીં પ્રથમ વખત મહારાષ્ટ્રીયન બીટ્સ સાથેના વિશેષ સ્વાતંત્ર્ય ઢોલ તાશા પથ દ્વારા પ્રસ્તુતિ કરાઈ હતી. ભડકોદ્રા ગામમાં પણ ભવ્ય ઉજવણી સાથે મટકી ફોડ કાર્યક્રમ યોજાયા હતાં.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો