calendar_todayJanuary 11, 2026
Ankleswar: ફૂડ વિભાગ દ્વારા ચીકીના વિક્રેતાઓને ત્યાં ઓચિંતુ ચેકિંગ, 19 નમૂના લેવાયા
આગામી ઉતરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લાના ફૂડ વિભાગ દ્વારા ચીકીના વેચાણકર્તાઓને ત્યાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.
લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય અને તહેવાર દરમિયાન ગુણવત્તાયુક્ત ચીકી મળી રહે તે હેતુથી ફૂડ વિભાગની ટીમે છેલ્લા ત્રણ દિવસમાં ભરૂચ અને અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં ઝુંબેશ ચલાવી હતી. આ તપાસ દરમિયાન શક્તિનાથ, નર્મદા માર્કેટ, ઝાડેશ્વર અને અંકલેશ્વર જેવા મુખ્ય વિસ્તારોમાં આવેલી આશરે 30 જેટલી ચીકીની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
ફૂડ ઇન્સ્પેક્ટરોએ સ્થળ પર જઈને ગોળ અને ચીકીની ગુણવત્તા ચકાસી હતી, જેમાંથી શંકાસ્પદ જણાતા 19 જેટલા નમૂનાઓ એકત્રિત કરી પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જોકે, દર વર્ષની જેમ આ વર્ષે પણ એક મર્યાદા જોવા મળી છે કે લેબોરેટરીનો રિપોર્ટ આવે તે પહેલાં જ તહેવાર પૂર્ણ થઈ જતો હોય છે, પરિણામે લોકો આ ખાદ્યચીજોનો વપરાશ કરી ચૂક્યા હોય છે. ફૂડ વિભાગે જણાવ્યું છે કે લેબોરેટરીના અહેવાલ બાદ જો નમૂનાઓ ફેલ જશે તો સંબંધિત દુકાનદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ફૂડ વિભાગની આ તપાસ આગામી દિવસોમાં ચાલુ રહેશે તેવું જાણવા મળે છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો