calendar_todayJanuary 7, 2026
AQI 300 પાર, Delhi રેડ ઝોનમાં, દેશના અનેક શહેરોમાં ધુમ્મસ
બુધવારે સવારે દિલ્હીની હવાની ગુણવત્તા ફરી એકવાર ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ. સવારે 7 વાગ્યે શહેરનો સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 302 નોંધાયો, જે “ખૂબ જ ખરાબ” શ્રેણીમાં આવે છે. દિલ્હીના મોટાભાગના વિસ્તારો રેડ ઝોનમાં નોંધાયા હતા, જ્યાં AQI 300 થી ઉપર રહ્યો હતો. નેહરુ નગર (361), આનંદ વિહાર (351), ચાંદની ચોક (347), ઓખલા ફેઝ-2 (345) અને જહાંગીરપુરી (346) જેવા વિસ્તારોમાં સ્થિતિ ખાસ કરીને ગંભીર રહી.
અનેક વિસ્તારો પ્રદુષણ
દિલ્હી-NCRના ઘણા વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. આર.કે. પુરમ, પુસા, પંજાબી બાગ, પટપરગંજ અને રોહિણી જેવા વિસ્તારોમાં AQI 320 થી 350 વચ્ચે નોંધાયો. જો કે બાવાના વિસ્તારમાં AQI 191 સાથે સ્થિતિ “મધ્યમ” રહી, પરંતુ કુલ મળીને શહેરની હવા સ્વાસ્થ્ય માટે જોખમી બની ગઈ છે.
શહેરોમાં ગાઢ ધુમ્મસ
દિલ્હી ઉપરાંત દેશભરના અનેક શહેરોમાં ગાઢ ધુમ્મસે ભારે અસર કરી છે. આગ્રા, તેજપુર અને ભટિંડા જેવા શહેરોમાં દૃશ્યતા શૂન્ય મીટર સુધી ઘટી ગઈ હતી, જેને કારણે ફ્લાઇટ કામગીરી પર ગંભીર અસર પડી. અમૃતસર અને જયપુરમાં 50 મીટર સુધી દૃશ્યતા રહી, જ્યારે કોલકાતામાં 100 મીટર અને જમ્મુ તથા કાનપુરમાં 200 મીટર સુધી દૃશ્યતા નોંધાઈ. દિલ્હી-એનસીઆરમાં પાલમ અને સફદરજંગ વિસ્તારમાં દૃશ્યતા લગભગ 800 મીટર રહી, એટલે અહીં ધુમ્મસ હળવું હતું.
હવામાન વિભાગની આગાહી
હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ધુમ્મસ પ્રદૂષક કણોને હવામાં ફસાવી દે છે, જેના કારણે પ્રદૂષણ લાંબા સમય સુધી ટકી રહે છે. ઠંડી, પવનની ગતિ ઓછી હોવી અને ભેજ વધુ હોવાના કારણે આ સ્થિતિ વધુ ગંભીર બની જાય છે.
સ્વાસ્થ્ય પર પડતી અસર
ખરાબ હવાની ગુણવત્તા અને ધુમ્મસના કારણે લોકોમાં આંખોમાં બળતરા, ગળામાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ વધી રહી છે. ખાસ કરીને અસ્થમા, ફેફસાં અને હૃદયરોગના દર્દીઓ માટે આ સ્થિતિ અત્યંત જોખમી છે. ડૉક્ટરો સલાહ આપે છે કે લોકો શક્ય તેટલું ઘરમાં રહે, માસ્કનો ઉપયોગ કરે અને બાળકો તથા વૃદ્ધોને ખાસ કાળજી રાખે.
આ પણ વાંચો : Noida : લગ્નની રાત્રે ખુલ્યું રહસ્ય, પછી જે થયું તે સાંભળીને ચોંકી જશો