calendar_todayFebruary 10, 2026
Arjun Tendulkarના લગ્નની તૈયારીઓ, સચિને પીએમ મોદી સહિત આ નેતાઓને આપ્યું આમંત્રણ
ક્રિકેટના દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર, સાનિયા ચાંડોક સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. આ દંપતીએ ઓગસ્ટ 2025માં સગાઈ કરી હતી. જેમાં ફક્ત પરિવારના સભ્યો અને થોડા નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા. સચિન, તેના પરિવાર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા અને લગ્નનું આમંત્રણ આપ્યું છે. આ સાથે અન્ય નેતાઓને પણ સચિન તેંડુલકરે આમંત્રણ આપ્યું છે. જેના ફોટો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા છે.
==
સચિન તેંડુલકરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી. આ પોસ્ટની સાથે તેમણે વડાપ્રધાન સાથેના કેટલાક ફેમિલી ફોટો પણ શેર કર્યા. આ ફોટામાં સચિન, તેમની પત્ની અંજલિ, પુત્રી સારા, પુત્ર અર્જુન અને સાનિયાનો સમાવેશ થાય છે. ફોટા શેર કરતા સચિને લખ્યું, "અમને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અર્જુન અને સાનિયાના લગ્ન સમારોહમાં આમંત્રણ આપવાનું સૌભાગ્ય મળ્યું. આ યુવાન દંપતીને તમારા આશીર્વાદ અને વિચારશીલ સલાહ બદલ આભાર, પીએમ મોદી."
અર્જુન તેંડુલકર અને સાનિયા ચાંડોક ક્યારે લગ્ન કરશે?
મળતી માહિતી મુજબ અર્જુન અને સાનિયા ચંડોકના લગ્નની તારીખ 5 માર્ચ, 2026 નક્કી કરવામાં આવી છે. લગ્ન પહેલાની વિધિઓ 3 માર્ચથી શરૂ થશે. લગ્નની ઉજવણી મુંબઈમાં થશે. સાનિયા એક સફળ ઉદ્યોગસાહસિક છે અને મુંબઈના જાણીતા ઉદ્યોગપતિ રવિ ઘાઈની પૌત્રી છે. સાનિયા એક પેટ કેયર બ્રાન્ડની માલિક પણ છે અને લાંબા સમયથી તેંડુલકર પરિવારની નજીક છે.
અર્જુન તેંડુલકર માટે ખાસ રહ્યું વર્ષ
આ વખતે IPLમાં અર્જુન તેંડુલકર એક નવી ટીમ માટે રમશે. તેને મુંબઈ ઇન્ડિયન્સથી લખનૌ સુપર જાયન્ટ્સમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. તેણે 2023માં મુંબઈ ઈન્ડિયન્સ માટે IPLમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે IPLમાં કુલ પાંચ મેચ રમી છે, જેમાં તેણે ત્રણ વિકેટ લીધી છે. જોકે, ગયા સિઝનમાં તેણે એક પણ મેચ રમી ન હતી. હવે, તે લખનૌ સુપર જાયન્ટ્સ સાથે નવી શરૂઆત કરશે. આ પહેલી વાર હશે જ્યારે અર્જુન મુંબઈ સિવાયની ટીમનો ભાગ બનશે.
આ પણ વાંચો : Rajpal Yadav Cheque Bounce Case: શું રાજપાલ યાદવને સજા ભોગવ્યા પછી 9 કરોડ ચૂકવવા નહીં પડે, જાણો શું છે નિયમો?