android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Arnab Cyclone :  બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સક્રિય, ભારત પર મોટું સંકટ!

calendar_todayOctober 25, 2026

Arnab Cyclone : બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સક્રિય, ભારત પર મોટું સંકટ!

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા બંગાળની ખાડી પર સર્જાયેલા ઓછા દબાણવાળા ક્ષેત્ર (Low-Pressure Area)ને લઈને 'પ્રી-સાયક્લોન વોચ' ચેતવણી જારી કરવામાં આવી છે. આ હવામાન પ્રણાલી આગામી દિવસોમાં વધુ મજબૂત બનીને ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાનમાં પરિણમે તેવી શક્યતા છે. આ ચક્રવાતના કારણે 27 થી 29 ઓક્ટોબર દરમિયાન આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં મુશળધારથી અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

સિસ્ટમની ગતિવિધિ અને 'અર્નબ' નામકરણ

હવામાન બુલેટિન મુજબ, બંગાળની ખાડી પરનું લૉ-પ્રેશર 25 ઓક્ટોબર સુધીમાં 'ડીપ ડિપ્રેશન'માં પરિવર્તિત થવાની સંભાવના છે. ત્યારબાદ 26 ઓક્ટોબરની સવાર સુધીમાં તે ચક્રવાતી વાવાઝોડાનું રૂપ ધારણ કરી લેશે. 27 ઓક્ટોબર સુધીમાં આ સિસ્ટમ વધુ આક્રમક બનીને 'ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન' બની શકે છે અને 28 ઓક્ટોબરે આંધ્રપ્રદેશના કિનારા તરફ આગળ વધશે.

ચક્રવાતને નામ અપાશે અર્નબ

જો આ સિસ્ટમ નિયત તીવ્રતા પ્રાપ્ત કરશે, તો તેને 'અર્નબ' (Arnab) નામ આપવામાં આવશે. આ નામ બાંગ્લાદેશ દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે, જેનો બંગાળીમાં અર્થ 'સમુદ્ર' થાય છે. જોકે, IMD એ સ્પષ્ટ કર્યું છે કે લૉ-પ્રેશર સિસ્ટમ નિર્ધારિત પવનની ગતિ સુધી પહોંચે ત્યારે જ તેને સત્તાવાર રીતે ચક્રવાત ગણવામાં આવે છે.

દરિયાકાંઠાના રાજ્યોમાં હાઇ એલર્ટ

ચક્રવાતના સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં તકેદારી વધારી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગયા મહિને સપ્ટેમ્બરમાં પણ આવી જ એક સિસ્ટમ માટે ચેતવણી જારી કરાઈ હતી, પરંતુ તે વાવાઝોડામાં ફેરવાવાને બદલે 'ડીપ ડિપ્રેશન' તરીકે પસાર થઈ ગઈ હતી, છતાં તેનાથી ભારે વરસાદ નોંધાયો હતો.

ચક્રવાતનું વર્ગીકરણ કેવી રીતે થાય છે?

હવામાન વિભાગ સમુદ્રી સપાટી પર પવનની ગતિ અને હવાના દબાણ (Isobars)ના આધારે સિસ્ટમનું વર્ગીકરણ કરે છે:

ડિપ્રેશન: જ્યારે પવનની ગતિ 17 થી 27 નોટ (31 થી 50 કિમી/કલાક) હોય.

ડીપ ડિપ્રેશન: જ્યારે પવનની ગતિ 28 થી 33 નોટ (52 થી 61 કિમી/કલાક) સુધી પહોંચે.

ચક્રવાતી તોફાન (Cyclonic Storm): જ્યારે પવનની મહત્તમ સતત ગતિ 34 નોટ (63 કિમી/કલાક) કે તેથી વધુ થઈ જાય અને તેમાં 4 કે તેથી વધુ બંધ આઇસોબાર બને, ત્યારે જ તેને સત્તાવાર રીતે વાવાઝોડું જાહેર કરાય છે.

આ પણ વાંચોઃ India: અરૂણાચલમાં બંધના વિરોધમાં હજારો લોકો રસ્તા પર ઉતર્યા, ભાજપના અધ્યક્ષના ઘરમાં લૂંટફાટ