calendar_todayMarch 29, 2026
Banaskanth News: જૂનાડીસા-વાસણા રોડ પર અજાણ્યા કાર ચાલકે 75 વર્ષીય વૃદ્ધને અડફેટે લેતા ઘટનાસ્થળે જ કરુણ મોત
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં જૂનાડીસા-વાસણા રોડ પર એક ગમખ્વાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. બેફામ ગતિએ આવતા એક અજાણ્યા કાર ચાલકે રસ્તો ક્રોસ કરી રહેલા વયોવૃદ્ધને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે વૃદ્ધનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અકસ્માત સર્જીને કાર ચાલક ગાડી સાથે ફરાર થઈ ગયો હતો.
જૂનાડીસા વાસણા રોડ પર બની ઘટના
મૃતક વૃદ્ધની ઓળખ વાસણા સંતોષી ગોળિયાના રહીશ ગીગાજી હેમાજી માળી (સુરદાસ) તરીકે થઈ છે. 75 વર્ષીય ગીગાજી જ્યારે જૂનાડીસા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે કાળમુખી કારે તેમને અડફેટે લીધા હતા. આ અકસ્માત બાદ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા, પરંતુ ગંભીર ઈજાઓને કારણે વૃદ્ધે દમ તોડી દીધો હતો. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
75 વર્ષીય વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત
ડીસા તાલુકા પોલીસને જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) માટે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. હાલમાં પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ અકસ્માત અને હિટ એન્ડ રનનો ગુનો નોંધી, આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે ફરાર ચાલકની શોધખોળ હાથ ધરી છે. માળી પરિવારના મોભીના અવસાનથી પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો