calendar_todayOctober 27, 2026
Banaskantha: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જાતે સંભાળી કમાન; બનાસ ડેરીના 325 કરોડના ‘મેગા પ્રોજેક્ટ’નું થશે ભવ્ય લોકાર્પણ!
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 30 ઓક્ટોબરના રોજ ગુજરાતના સરહદી જિલ્લા બનાસકાંઠાના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાનના આ મહત્ત્વપૂર્ણ પ્રવાસને આખરી ઓપ આપવા અને વ્યવસ્થાઓની સમીક્ષા કરવા માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે ડીસા તાલુકાના ભીલડી ખાતે પહોંચ્યા હતા. તેમણે કાર્યક્રમ સ્થળ, હેલિપેડ, સભા મંડપ અને સુરક્ષા વ્યવસ્થાઓનું સ્થળ પર જઈને જાત-નિરીક્ષણ કર્યું હતું તેમજ વહીવટી તંત્ર અને બનાસ ડેરીના અધિકારીઓ સાથે બેઠક યોજી માર્ગદર્શન આપ્યું હતું. વડાપ્રધાન મોદી આ પ્રવાસ દરમિયાન બનાસ ડેરી દ્વારા નિર્મિત અત્યાધુનિક પશુ સંવર્ધન કેન્દ્ર સહિતના વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે.
325 કરોડના ખર્ચે નિર્મિત આધુનિક પશુ સંવર્ધન કેન્દ્ર
બનાસ ડેરી દ્વારા પશુપાલકોની આર્થિક સમૃદ્ધિ અને પશુધનની ગુણવત્તા વધારવાના ઉદ્દેશ્ય સાથે અંદાજે રૂપિયા ૩૨૫ કરોડના તોતિંગ ખર્ચે આ અદ્યતન પશુ સંવર્ધન કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યું છે. આ કેન્દ્ર મુખ્યત્વે સ્થાનિક દેશી ગાયો (જેમ કે કાંકરેજ, ગીર) અને ભેંસો (જેમ કે મહેસાણી, બન્ની) ની આનુવંશિક ગુણવત્તા અને ઓલાદ સુધારવા માટે અત્યાધુનિક બ્રીડિંગ ટેક્નોલોજીથી સજ્જ છે.ઉત્તમ ગુણવત્તાના પશુઓ તૈયાર થવાથી પશુપાલકોના પશુઓની દૂધ આપવાની ક્ષમતામાં ધરખમ વધારો થશે, જે શ્વેતક્રાંતિને એક નવી ઊંચાઈ પર લઈ જશે. પશુપાલન ક્ષેત્રે વૈજ્ઞાનિક અભિગમ સાથે તૈયાર થયેલું આ કેન્દ્ર માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશ માટે એક ઉત્કૃષ્ટ ‘રોલ મોડલ’ બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું ગ્રાઉન્ડ ઇન્સ્પેક્શન
ભીલડી ખાતે ચાલી રહેલી તડામાર તૈયારીઓ અંગે હર્ષ સંઘવીએ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી (DDO), જિલ્લા પોલીસ વડા અને બનાસ ડેરીના ચેરમેન-મેનેજમેન્ટ સાથે રૂબરૂ ચર્ચા કરી કાર્યક્રમનું માઇક્રો-પ્લાનિંગ ચકાસ્યું હતું.વડાપ્રધાનની વિશાળ જનસભામાં ઉત્તર ગુજરાતભરમાંથી લાખો પશુપાલકો અને નાગરિકો ઉમટી પડવાના હોવાથી ટ્રાફિક મેનેજમેન્ટ, પાર્કિંગ, પીવાના પાણી અને આરોગ્ય સુવિધાઓ જળવાઈ રહે તે અંગે અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે.પીએમ મોદીના આગમનને પગલે સમગ્ર સરહદી પંથકમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે.