calendar_todayApril 6, 2026
Banaskantha: શિહોરી યાર્ડમાં પ્રથમ દિવસે જ તમાકુની 35 હજાર બોરીની આવક
કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી સ્થિત સરદાર પટેલ માર્કેટ યાર્ડમાં તમાકુ સીઝનની શરૂઆત જોરદાર રહી છે. પ્રથમ જ દિવસે અંદાજે 35 હજાર જેટલી ગુણીઓની આવક નોંધતા યાર્ડમાં ભારે ચહલપહલ જોવા મળી હતી. હરાજી પ્રક્રિયા દરમિયાન તમાકુના ભાવ રૂપિયા 1,400 થી લઈને રૂપિયા 2,350 સુધી બોલાતા ખેડૂતોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ હતી. થરા માર્કેટ યાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલની રાહબરી હેઠળ હરાજી યોજાઈ હતી. હાલમાં યાર્ડમાં અંદાજે 30 જેટલા વેપારીઓ ખરીદી પ્રક્રિયામાં જોડાયેલા છે. શિહોરી માર્કેટ યાર્ડમાં ખેડૂતોને સુવિધા ઉપલબ્ધ થાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. થરા માર્કેટ યાર્ડના પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, ડિરેક્ટર મુકેશભાઈ રાવલ તેમજ શિહોરી માર્કેટ યાર્ડના પ્રમુખ ચિરાગ જોશીના માર્ગદર્શન હેઠળ ખેડૂતો માટે બેસવાની અને જમવાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. તમાકુની જોરદાર આવક અને પોષણક્ષમ ભાવ મળતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. બીજી તરફ માર્કેટ યાર્ડનું વહીવટીતંત્ર ખેડૂતોને યોગ્ય ભાવ અને સુવિધાઓ મળી રહે તે માટે સતત દેખરેખ રાખી રહ્યું છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો