calendar_todaySeptember 2, 2026
Banaskantha News: હડાદમાં 'લૂંટેરી દુલ્હન' ગેંગનો પર્દાફાશ, લગ્નની લાલચ આપી રૂ. 1.50 લાખ પડાવનાર દુલ્હન સહિત 7 ઝડપાયા
બનાસકાંઠા જિલ્લાના અંબાજી નજીક આવેલા હડાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હાડાદમાં એક યુવકને લગ્ન કરાવવાની લાલચ આપીને 'લૂંટેરી દુલ્હન' વાળી ઠગ ટોળકીએ પોતાની જાળમાં ફસાવ્યો હતો. લગ્નની ઘેલછામાં યુવક આ ઠગ ટોળકીની મીઠી વાતોમાં આવી ગયો હતો અને પોતે મોટા કૌભાંડનો ભોગ બનવા જઈ રહ્યો છે, તેનો તેને ખ્યાલ સુદ્ધાં ન હતો.
બોગસ ચાંદલા વિધિ કરી રૂ. 1.50 લાખ અને મંગળસૂત્ર પડાવ્યું
પીડિત યુવકના આરોપ છે કે, ટોળકીના સાગરીતોએ તેને કન્યા બતાવી હતી અને ત્યારબાદ ખોટી તથા બોગસ ચાંદલા વિધિનું નાટક રચ્યું હતું. આ વિધિના નામે આરોપીઓએ યુવક પાસેથી રોકડા રૂ. 1.50 લાખ પડાવી લીધા હતા. આટલું જ નહીં, લગ્નની વિધિના ભાગરૂપે યુવક પાસેથી ચાંદીનું મંગળસૂત્ર પણ પડાવી લેવામાં આવ્યું હતું.
પૈસા પડાવ્યા બાદ યુવકને માર મારી ધમકાવ્યો
નાણાં અને દાગીના મેળવી લીધા બાદ ઠગ ટોળકીએ પોતાનો અસલી ચહેરો બતાવ્યો હતો. યુવકે જ્યારે લગ્ન અંગે આગળની વાત કરી, ત્યારે આરોપીઓએ તેને ભેગા મળીને ઢોર માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપીને સ્થળ પરથી ભગાડી મૂક્યો હતો. આ ઘટના બાદ ભોગ બનનાર યુવકે હિંમત ભેગી કરી હડાદ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધી સમગ્ર આપવીતી જણાવી હતી.

ટેકનિકલ સર્વેલન્સથી હડાદ પોલીસે ઉકેલ્યો ભેદ
ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને હડાદ પોલીસે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આખી ઠગ ટોળકીનું લોકેશન ટ્રેસ કર્યું હતું. પોલીસે સફળતાપૂર્વક દરોડો પાડીને લૂંટેરી દુલ્હન, તેને મદદ કરનારા 2 કથિત દલાલો સહિત કુલ 7 આરોપીઓને મુઠ્ઠીમાં લઈ લીધા હતા.

તમામ મુદ્દામાલ કબજે કરી કાનૂની કાર્યવાહી શરૂ
પોલીસે ઝડપાયેલા તમામ 7 આરોપીઓ પાસેથી યુવક પાસેથી હડપેલા રોકડા રૂ. 1.50 લાખ અને ચાંદીનું મંગળસૂત્ર સહિતનો તમામ મુદ્દામાલ સુરક્ષિત રીતે કબજે કરી લીધો છે. હડાદ પોલીસે તમામ આરોપીઓ સામે છેતરપિંડી, મારપીટ અને ધાકધમકી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. આ ટોળકીએ અગાઉ અન્ય કોઈ યુવકોને નિશાન બનાવ્યા છે કે, કેમ તે દિશામાં પણ પૂછપરછ ચાલી રહી છે.
આ પણ વાંચો - Bhadarvi Poonam Mela 2026: અંબાજીમાં ફૂડ વિભાગની લાલ આંખ, 72 વેપારીઓને ત્યાં તપાસ અને અખાદ્ય સામગ્રીનો નાશ કરાયો