calendar_todayAugust 28, 2026
Banaskantha News : પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં માઇભક્તની અનોખી ભક્તિ, મા અંબાના ચરણોમાં રૂ.24.75 લાખનું સોનું અર્પણ
ગુજરાતના શક્તિપીઠ અને પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં માઇભક્તો દ્વારા સોનાનું દાન આપવાનો સિલસિલો અવિરતપણે ચાલુ રહ્યો છે. જગતજનની અંબા માતાજી પ્રત્યેની ગાઢ શ્રદ્ધા અને આસ્થાના પ્રતીકરૂપે વધુ એક શ્રદ્ધાળુએ મા અંબાના ચરણોમાં સોનું અર્પણ કર્યું છે. માઇભક્ત દ્વારા માતાજીના ધામમાં સોનાની 2 નંગ લગડીઓ તેમજ 2 નંગ સોનાના ટુકડા ભક્તિભાવપૂર્વક દાનમાં આપવામાં આવ્યા છે, જેનાથી મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો.
167.270 ગ્રામ સોનું દાનમાં મળ્યું, અંદાજિત કિંમત રૂ.24.75 લાખ
શ્રદ્ધાળુ દ્વારા દાનમાં આપવામાં આવેલી આ સોનાની લગડીઓ અને ટુકડાઓનું કુલ વજન 167.270 ગ્રામ થાય છે. વર્તમાન બજાર ભાવ અનુસાર આ અર્પણ કરાયેલા સોનાની અંદાજિત કિંમત રૂ.24,75,000 (ચોવીસ લાખ પંચાંતર હજાર રૂપિયા) આંકવામાં આવી છે. આ મોટું દાન પ્રાપ્ત થયા બાદ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ વિધિવત પ્રક્રિયા પૂર્ણ કરીને સોનાનો સ્વીકાર કરવામાં આવ્યો હતો અને દાતા શ્રદ્ધાળુને સત્તાવાર રસીદ એનાયત કરી તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
સુવર્ણ શિખર અને સુવર્ણ કાર્યો માટે માઇભક્તોમાં ભારે ઉત્સાહ
અંબાજી મંદિરના શિખરને સુવર્ણમંડિત કરવાની કામગીરી તેમજ મંદિરના અન્ય સુવર્ણ કાર્યો માટે દેશ-વિદેશમાં વસતા માઇભક્તો ખુલ્લા હાથે દાન આપી રહ્યા છે. આ પ્રકારે સમયાંતરે મળતા મોટા સુવર્ણ દાનના કારણે અન્ય શ્રદ્ધાળુઓમાં પણ મા અંબાના ચરણોમાં યથાશક્તિ દાન આપવા માટે ભારે ઉત્સાહ અને પ્રેરણા જોવા મળી રહી છે. ટ્રસ્ટ દ્વારા પણ તમામ દાનનો ઉપયોગ મંદિરના સુવર્ણમંડિત કાર્યોમાં સુચારુ રીતે કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો : Dwarka News : દ્વારકાધીશ મંદિરની ધ્વજાના નામે છેતરપિંડી! નકલી પહોંચ બનાવી 2 યજમાનો પાસેથી રૂ.1.02 લાખ પડાવ્યા