android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Banaskantha News : પાંથાવાડામાં ગેરકાયદે જ્વલનશીલ પદાર્થ પર પોલીસનો સપાટો, 28 લાખથી વધુના મુદ્દામાલ સાથે 2 સામે FIR

calendar_todaySeptember 4, 2026

Banaskantha News : પાંથાવાડામાં ગેરકાયદે જ્વલનશીલ પદાર્થ પર પોલીસનો સપાટો, 28 લાખથી વધુના મુદ્દામાલ સાથે 2 સામે FIR

બનાસકાંઠા જિલ્લાના પાંથાવાડા પોલીસ મથક વિસ્તારમાં ગેરકાયદેસર જ્વલનશીલ પેટ્રોલિયમ પદાર્થના સંગ્રહ અને વેચાણના મોટા કારોબારનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પાંથાવાડા-કુચાવાડા હાઇવે પર આવેલી બાબા રામદેવ હોટલના કમ્પાઉન્ડમાં શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. આ કામગીરી દરમિયાન સ્થળ પરથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલો જ્વલનશીલ પદાર્થનો જથ્થો ઝડપી પાડીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રૂ.28.03 લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસ દરોડા દરમિયાન હોટલ કમ્પાઉન્ડમાંથી આશરે 200 લીટર ખુલ્લું જ્વલનશીલ પ્રવાહી અને 20,000 કિલોગ્રામ જેટલો જ્વલનશીલ પદાર્થ ભરેલું એક આખું ટેન્કર મળી આવ્યું હતું. આ જ્વલનશીલ પદાર્થ અને ટેન્કર સહિત પોલીસે કુલ આશરે રૂ. 28.03 લાખનો મુદ્દામાલ સ્થળ પરથી કબજે કર્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કોઈપણ પ્રકારના જરૂરી લાયસન્સ, પરવાનગી કે સુરક્ષાના સાધનો વિના આ જોખમી જ્વલનશીલ પદાર્થનો સંગ્રહ અને ગેરકાયદેસર વેચાણ કરવામાં આવી રહ્યું હતું.

પંપ સંચાલક સહિત બે સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ

જાહેર સુરક્ષાને જોખમમાં મૂકીને ગેરકાયદેસર રીતે પેટ્રોલિયમ પદાર્થનો સંગ્રહ કરવા બદલ પંપ સંચાલક સહિત બે શખ્સો સામે પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આટલી મોટી માત્રામાં જ્વલનશીલ પદાર્થ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેને ક્યાં સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ ચક્ર ગતિમાન કર્યા છે. પાંથાવાડા પોલીસની આ કડક કાર્યવાહીથી ગેરકાયદેસર પેટ્રોકેમિકલ્સ અને બાયોડીઝલનો કાળો કારોબાર કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

આ પણ વાંચો : Bhavnagar News : ST બસ સ્ટેન્ડમાં સરાજાહેર હત્યા, મહિલાને ઢીકા-પાટુનો માર મારી મોતને ઘાટ ઉતારી