calendar_todayMarch 27, 2026
Banaskantha News : બનાસકાંઠાના દાંતા અને અમીરગઢ તાલુકાના 34 ગામ અને અંબાજી શહેરના અંદાજે 78 હજાર નાગરિકોને આ યોજનાથી પાણીનો મળશે લાાભ
રાજ્યના સર્વાંગી વિકાસ માટે પાણીની અગત્યતાને સમજીને સરકાર દ્વારા દરેક નાગરિકને શુદ્ધ અને પૂરતું પેયજળ પૂરૂ પાડવા માટે નક્કર આયોજન કરવામાં આવ્યું છે. આ કડીરૂપ અભિયાન અંતર્ગત, બનાસકાંઠા જિલ્લાના દાંતા અને અમીરગઢ તાલુકાના આદિવાસી વિસ્તારો તેમજ પવિત્ર યાત્રાધામ અંબાજી માટે અંદાજિત રૂ. ૧૪૧ કરોડની રકમની 'અંબાજી જૂથ પાણી પુરવઠા યોજના ભાગ-૧ અને ૨' નું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઈ- ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે.
યોજનાની મુખ્ય વિગતો:
લાભાર્થી ગામો: દાંતા અને અમીરગઢ તાલુકાના કુલ ૩૪ ગામો અને અંબાજી શહેરના નાગરિકોને આ યોજનાનો સીધો લાભ મળશે .
નાગરિક ફાયદો: આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી આશરે ૦.૭૮ લાખની વસ્તીને નિયમિત પીવાનું પાણી ઉપલબ્ધ થશે .
ભૌગોલિક પડકારોનો ઉકેલ:
આ વિસ્તાર ડુંગરાળ અને ખડકાળ હોવાથી અત્યાર સુધી અહીંના ગામો ભૂગર્ભ જળ પર નિર્ભર હતા, જે હવે સરફેસ સ્ત્રોત એટલે કે સપાટી પરના સ્ત્રોત આધારિત યોજનામાં પરિવર્તિત થશે જેનો સીધો ફાયદો આરોગ્યને થશે.
ભવિષ્યનું ડેવલપમેન્ટ:
અંબાજીએ ભારતનું એક મહત્વનું પવિત્ર યાત્રાધામ હોવાથી અને ભવિષ્યમાં આસપાસના વિસ્તારોમાં થનારા વિકાસને ધ્યાને રાખીને આ પીવાના પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે .
પાણી પુરવઠા ક્ષેત્રે ગુજરાતની સિદ્ધિઓ:
રાજ્યવ્યાપી ગ્રીડ: ગુજરાત સરકારે ભૂગર્ભ જળ પરની નિર્ભરતા ઘટાડીને નદી, કેનાલ અને જળાશય જેવા સ્ત્રોતો આધારિત યોજનાઓ અમલી બનાવી છે
બલ્ક પાઈપલાઈન:
રાજ્ય વ્યાપી પાણી પુરવઠા ગ્રીડ’ હેઠળ ૩,૩૦૦ કિ.મીથી વધુ બલ્ક પાઈપલાઈનના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. જેના પરિણામે અત્યાર સુધી રાજ્યના ૧૫,૦૦૦ થી વધુ ગામો અને ૨૫૧ શહેરી વિસ્તારોને સરફેસ સ્ત્રોત આધારિત પીવાનું પાણી મળી રહ્યું છે, જેનાથી રાજ્યની અંદાજે પાંચ કરોડથી વધુ વસ્તી લાભાન્વિત થઈ છે .
જલ જીવન મિશન-2
કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકાયેલા 'જલ જીવન મિશન-૨' થકી બાકી રહેલા ગામોના કામોને વધુ વેગ મળશે. આ ઉપરાંત નાગરિકોની સુવિધા માટે ગ્રામીણ વિસ્તારમાં પાણીને લગતી સમસ્યાઓના ઉકેલ માટે 24x7 હેલ્પલાઇન નંબર ૧૯૧૬ પણ કાર્યરત છે, જ્યાં ફરિયાદોનું સંતોષકારક નિવારણ કરવામાં આવે છે' તેમ પાણી પુરવઠા વિભાગ દ્વારા જણાવાયું છે.