calendar_todayFebruary 22, 2026
Banaskantha News: બટાકાના ભાવ તળિયે, MLA માવજી દેસાઈએ CMને પત્ર લખી સહાયની માગ કરી
ગુજરાતના બટાકાના હબ ગણાતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અત્યારે ભારે મુશ્કેલીમાં મૂકાયા છે. બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે બટાકાનું બમ્પર ઉત્પાદન તો થયું છે, પરંતુ બજારમાં યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોને "પડતા પર પાટું" જેવી સ્થિતિ સર્જાઈ છે. ખેડૂતોની આ વેદનાને વાંચા આપવા માટે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ મુખ્યમંત્રીને પત્ર લખીને ખાસ આર્થિક સહાય જાહેર કરવા રજૂઆત કરી છે.
ખર્ચ સામે આવક શૂન્ય
બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે અંદાજે 64,948 હેક્ટર જમીનમાં બટાકાનું જંગી વાવેતર કરવામાં આવ્યું હતું. જોકે, ઉત્પાદન વધતા ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, બટાકાના બિયારણ, ખાતર, ખેતીની મજૂરી અને ત્યારબાદ બટાકાને સાચવવા માટે કોલ્ડ સ્ટોરેજના ભાડાનો ખર્ચ અત્યારે મળતી આવક કરતા અનેકગણો વધી ગયો છે. આ સ્થિતિમાં ખેડૂતોને ખેતરમાંથી બટાકા નિકાળવા પણ પરવડી રહ્યા નથી.
વીઘે રૂપિયા 25 થી 30 હજારનું નુકસાન
ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, યોગ્ય ભાવ ન મળવાને કારણે ખેડૂતોને સરેરાશ વીઘા દીઠ 25 થી 30 હજાર રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. બટાકા પકવતા ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે, અને તેઓ દેવાના ડુંગર નીચે દબાઈ રહ્યા છે.
ખેડૂતોને બચાવવા માટે સરકાર દ્વારા તાત્કાલિક ટેકાના ભાવે ખરીદી, સબસીડી અથવા ખેડૂતોના ખાતામાં સીધી આર્થિક સહાય આપવામાં આવે તેવી માગ ઉઠી છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર ખેડૂતોની આ હૈયા વરાળ સાંભળીને આગામી દિવસોમાં કોઈ હકારાત્મક નિર્ણય લે છે કે કેમ.
આ પણ વાંચો - Dhanera News: જનાલી-ધરણોધર વચ્ચે બોલેરો અને બાઈક વચ્ચે અકસ્માત, યુવકનું મોત