calendar_todayMay 13, 2026
Banaskantha News: સુઈગામ પોલીસના ત્રાસથી કંટાળી યુવકે માંગી ઈચ્છામૃત્યુની મંજૂરી, PI અને સ્ટાફ સામે લગાવ્યા સનસનીખેજ આક્ષેપ
બનાસકાંઠાના વાવ-થરાદ પંથકમાં પોલીસના કથિત ત્રાસનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુઈગામ પોલીસ મથકના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાના આક્ષેપ સાથે એક યુવકે રાજ્યના કલેક્ટર, DGP અને ગૃહમંત્રીને પત્ર લખી 'ઈચ્છામૃત્યુ'ની માંગણી કરતા ખળભળાટ મચી ગયો છે.
ઢોર માર મારી કાનનો પડદો ફાડી નાખ્યાનો આરોપ
યુવકે કરેલી લેખિત રજૂઆતમાં સુઈગામ પોલીસ સ્ટેશનના PI અને તેમના સ્ટાફ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. યુવકનો દાવો છે કે, પોલીસે તેને ખોટા દારૂના કેસમાં ફસાવ્યો હતો અને લોકઅપમાં તેને ઢોર માર મારવામાં આવ્યો હતો. આ મારઝૂડને કારણે તેના કાનનો પડદો ફાટી ગયો હોવાનો પણ તેણે અરજીમાં ઉલ્લેખ કર્યો છે. આટલું જ નહીં, બીમાર દીકરાને દવા આપવા ગયેલા તેના શિક્ષક પિતા સાથે પણ પોલીસે અભદ્ર વર્તન કર્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
પોલીસ પર ખનીજ ચોરીમાં ભાગીદારીના આક્ષેપ
યુવકે પોતાની રજૂઆતમાં સુઈગામ PI અને તેમના રાઈટર મહેશભાઈ તથા રૂપશીભાઈ સામે સનસનીખેજ આક્ષેપો કરતા જણાવ્યું છે કે, પોલીસ અધિકારીઓ ખનીજ ચોરી અને વિવિધ કોન્ટ્રાક્ટમાં ભાગીદારી ધરાવે છે. વધુમાં, રસ્તા પર વાહનો ચેક કરતી વખતે પોલીસ જાતિ જોઈને વાહનો ડિટેઈન કરતી હોવાનો ગંભીર પક્ષપાતનો આરોપ પણ લગાવ્યો છે.
ન્યાય નહીં મળે તો ધરણાની ચીમકી
પોલીસના આ પ્રકારના વર્તનથી કંટાળીને યુવકે હવે ઈચ્છામૃત્યુની મંજૂરી માંગી છે. યુવકે સ્પષ્ટ ચિમકી ઉચ્ચારી છે કે, જો આ મામલે યોગ્ય તપાસ કરી તેને ન્યાય આપવામાં નહીં આવે, તો તે સરકારી કચેરી સામે અન્ન-જળનો ત્યાગ કરી ધરણા પર બેસશે. આ ઘટનાને પગલે બનાસકાંઠા પોલીસ બેડામાં ભારે ચર્ચાઓ જાગી છે.
આ પણ વાંચો - Banaskantha: શિહોરીની બેંક ઑફ્ બરોડાની શાખામાં AC બંધ થતા હાલાકી