calendar_todaySeptember 14, 2026
Banaskantha Rain Update: પાલનપુર અને ડીસા પંથકમાં લાંબા વિરામ બાદ મેઘમહેર
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં આવેલા પલટા બાદ મેઘરાજાએ ફરી ધમાકેદાર પુનઃરાગમન કર્યું છે. જિલ્લાના મુખ્યાલય પાલનપુર તેમજ ડીસા અને દાંતીવાડા સહિતના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી જ ડીસા અને પાલનપુર પંથકમાં ધીમીધારે ઝરમર વરસાદ શરૂ થતાં સમગ્ર વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે.
ખેમાણા, લુણવા અને ચડોતર વિસ્તારમાં વરસાદી ઝાપટાં
પાલનપુર શહેર ઉપરાંત આસપાસના ગ્રામીણ વિસ્તારો જેવા કે ખેમાણા, લુણવા અને ચડોતર સહિતના પંથકોમાં પણ વરસાદી ઝાપટાં પડ્યા હતા. લાંબા સમયથી વરસાદ ગાયબ રહેતાં વ્યાપેલી અસહ્ય ગરમી અને બફારામાંથી આ વરસાદી પધરામણીને પગલે સ્થાનિક રહીશોને મોટી રાહત મળી છે. માર્ગો ભીંજાવવાની સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી વહેતા થયા છે.
બળી રહેલા પાકને મળ્યું જીવતદાન, ધરતીપુત્રોમાં આનંદ
છેલ્લા કેટલાય સમયથી વરસાદ ન પડવાના કારણે ખેતરોમાં ઉભેલો મોંઘો પાક સુકાઈને બળી રહ્યો હતો, જેને લઈને ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા હતા. પરંતુ લાંબા વિરામ બાદ શરૂ થયેલા આ વરસાદથી બળી રહેલા પાકને નવું જીવનદાન મળ્યું છે. સમયસર થયેલી આ મેઘમહેરથી બનાસકાંઠાના ધરતીપુત્રો અને ખેડૂત આલમમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.