calendar_todayApril 29, 2026
Bengaluru : વરસાદના કારણે દીવાલ થઈ ધરાશાયી, 7 લોકોના થયા મોત
કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં મંગળવારે સાંજે ભારે વરસાદ વચ્ચે મોટી દુર્ઘટના સર્જાઈ છે. શિવાજીનગર વિસ્તારમાં બોરિંગ અને લેડી કર્ઝન હોસ્પિટલ નજીક એક કમ્પાઉન્ડની દીવાલ અચાનક ધરાશાયી થતાં રસ્તા પાસે ઉભેલા દુકાનદારો અને રાહદારીઓ સહિત ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા છે. હજુ પણ કાટમાળ નીચે લોકો ફસાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે મૃતકોની સંખ્યા વધી શકે છે.
ભારે પવન સાથે વરસાદ વરસ્યો
માહિતી મુજબ સાંજે લગભગ 5 વાગ્યે શરૂ થયેલો વરસાદ ભારે પવન અને ગાજવીજ સાથે લગભગ એક કલાક સુધી વરસ્યો હતો. ખરાબ હવામાનથી બચવા માટે ઘણા લોકો હોસ્પિટલના પરિસરમાં આશરો લેવા પહોંચ્યા હતા, ત્યારે જ દીવાલ ધરાશાયી થઈ અને લોકો તેની ચપેટમાં આવી ગયા. આ અકસ્માતમાં 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ઘટનાસ્થળે ચીસો અને અરેરાટીનો માહોલ સર્જાયો હતો અને પરિજનોનું રડતા અને બૂમાબૂમ કરતા જોવા મળ્યા હતા.
CM-DyCMએ ઘટનાસ્થળની મુલાકાત લીધી
ઘટનાની જાણ થતાં જ કર્ણાટકના મુખ્યમંત્રી સ્થળ પર પહોંચી સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે અધિકારીઓને કડક સૂચના આપી અને ઘટનાને લઈને નારાજગી વ્યક્ત કરી. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારોને 5 લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે. ઉપમુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે પણ સ્થળની મુલાકાત લઈ રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી.
આ ઘટનાને લઈને રાજકીય પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે. સી.ટી. રવિએ કહ્યું કે મૃતકોની સંખ્યા વધુ હોય શકે છે અને હાલ સરકારને પીડિતોને સહાય પર ધ્યાન આપવું જોઈએ. સતત વરસાદને કારણે રાહત કામગીરીમાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે અને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે.
આ પણ વાંચો : Iranના વિદેશ મંત્રી અરાઘચીએ એસ.જયશંકર સાથે ફોન પર કરી વાતચીત, હોર્મુઝ પર થઈ ચર્ચા