calendar_todayApril 14, 2026
Bet Dwarkaમાં નશાના કાળા કારોબારનો પર્દાફાશ, નશાકારક કેપ્સૂલ સાથે ઓખા પાલિકાનો રોજમદાર ઝડપાયો
સુપ્રસિદ્ધ યાત્રાધામ બેટ દ્વારકામાં નશાના આતંકને ડામવા માટે SOG પોલીસે મોટી સફળતા મેળવી છે. ઓખા નગરપાલિકાનો જ એક રોજમદાર કર્મચારી નશાકારક કેપ્સૂલના વેચાણમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. આરોપી રાજેશભા કેર પાલિકાના VIP પાર્કિંગ જેવી સુરક્ષિત જગ્યાનો ઉપયોગ કરીને ત્યાંથી જ નશાકારક કેપ્સૂલની સ્ટ્રીપોનું વેચાણ કરતો હતો. પવિત્ર યાત્રાધામમાં પાલિકાના કર્મચારી દ્વારા જ આ રીતે નશાનો વેપાર કરવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ અને આશ્ચર્ય જોવા મળી રહ્યું છે.
પોલીસે કુલ રૂ.56,800નો મુદ્દામાલ જપ્ત કર્યો
SOG પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને રાજેશભા કેરને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી પ્રતિબંધિત ગણાતી ટ્રામાડોલ (Tramadol) કેપ્સૂલના 232 નંગ મળી આવ્યા હતા. પોલીસે કેપ્સૂલના જથ્થા સહિત કુલ રૂ.56,800નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેપ્સૂલનો ઉપયોગ નશા તરીકે કરવામાં આવતો હતો. પોલીસે બંને ઇસમો વિરુદ્ધ NDPS એક્ટ (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ખાવડીના મેડિકલ સંચાલકનું કનેક્શન ખુલ્યું
આ કેસની તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. નશાકારક કેપ્સૂલનો આ જથ્થો જામનગરના ખાવડી વિસ્તારમાં આવેલા લક્ષ્મી મેડિકલનો સંચાલક રવિ ગુપ્તા સપ્લાય કરતો હતો. રવિ ગુપ્તા (સપ્લાયર) આ કેપ્સૂલના વેચાણ માટે પાલિકાના કર્મચારીનો ઉપયોગ કરતો હોવાનું ખુલ્યું છે. હાલમાં મુખ્ય સપ્લાયર રવિ ગુપ્તા પોલીસ પકડથી દૂર છે, જેને ઝડપી પાડવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. યાત્રાધામમાં આ નશાનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તે દિશામાં પણ પોલીસે ઊંડી તપાસ શરૂ કરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો