calendar_todayFebruary 12, 2026
Bharat Bandh દરમિયાન હિંસા થાય તો કેટલી સજા મળશે?
ખેડૂત સંગઠનો અને 10 મુખ્ય કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ ગુરુવારે ભારત બંધનું એલાન આપ્યું છે. આ યુનિયનો 2025માં લાગુ કરાયેલા 4 નવા શ્રમ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે. બેન્ક કર્મચારીઓ પણ ભારત બંધ હડતાળને સમર્થન આપી રહ્યા છે. સંગઠનોએ 5 દિવસ કામ કરવા સહિતની ઘણી માગ કરી છે.
ભારત બંધની હડતાળ દેશમાં કોઈ નવી વાત નથી. ક્યારેક ટ્રેડ યુનિયનો તો ક્યારેક અન્ય સંગઠનો હડતાળની જાહેરાત કરે છે. હવે પ્રશ્ન એ છે કે શું કોઈ સંગઠન દેશમાં હડતાળની જાહેરાત કરી શકે છે? જો આ દરમયાન હિંસા થાય તો જવાબદાર કોણ રહેશે? કાયદો શું કહે છે?
શું કોઈ ભારત બંધની જાહેરાત કરી શકે છે?
સુપ્રીમ કોર્ટના વકીલના જણાવ્યા મુજબ "લોકશાહી દેશમાં દરેકને પોતાના વિચારો વ્યક્ત કરવાનો અધિકાર છે. ભારતમાં પણ આ વાત સાચી છે. ભારતીય બંધારણમાં સમાવિષ્ટ અધિકારો આની પુષ્ટિ કરે છે. બંધારણની કલમ 19(a) જણાવે છે કે દરેક ભારતીયને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર છે." કલમ 19(b) જણાવે છે કે ભારતીયો હથિયારો વિના ગમે ત્યાં શાંતિપૂર્ણ રીતે ભેગા થઈ શકે છે. દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી શકાય છે. દેશની અંદર શાંતિપૂર્ણ હડતાળ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
કાર્યવાહી ક્યારે કરવામાં આવે છે?
જો ભારત બંધ શાંતિપૂર્ણ રીતે યોજાય તો કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી પણ જ્યારે ભારત બંધ અથવા વિરોધ હિંસક બને છે ત્યારે કાર્યવાહી કરવામાં આવે છે. જો વિરોધીઓ હિંસક બને છે અને મિલકત, સરકારી મિલકતને નુકસાન પહોંચાડે છે, હડતાળમાં ભાગ ન લેતા લોકોને ડરાવે છે અથવા ધમકાવતા હોય છે, અથવા સામાન્ય નાગરિકોના અધિકારોનું ઉલ્લંઘન કરે છે તો તેમની સામે કાર્યવાહી થઈ શકે છે. વધુમાં જો તેઓ દુકાનદારોને તેમની દુકાનો બંધ કરવા દબાણ કરે છે અને હિંસાનો આશરો લે છે તો કાર્યવાહી થઈ શકે છે.
હિંસક વિરોધ પ્રદર્શન સામે શું એક્શન લેવામાં આવી શકે છે?
ભારતીય બંધારણ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનની મંજૂરી આપે છે, પરંતુ શસ્ત્રોના ઉપયોગની નહીં. હિંસાના કિસ્સાઓમાં કાર્યવાહી કરવામાં આવે છે. જો કે, આ હિંસાના સ્વરૂપ અને નુકસાનની હદ પર પણ આધાર રાખે છે. જો પ્રદર્શનકારીઓ મિલકતને નુકસાન પહોંચાડે છે તો તેમની સામે જાહેર સંપત્તિને નુકસાન નિવારણ અધિનિયમ, 1984 હેઠળ કાર્યવાહી થઈ શકે છે. સંપત્તિને નુકસાન પહોંચાડનારા પ્રદર્શનકારીઓને 5 વર્ષ સુધીની જેલ અને દંડ થઈ શકે છે.
આ પણ વાંચો : Indian Railways : રેલ મુસાફરો માટે ચેતવણી! 1 માર્ચથી UTS એપ બંધ, હવે આ એપથી જ બુક થશે ટિકિટ