android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Bharuch: ભરૂચમાં આજે 10.86 લાખ મતદારો 956 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે

calendar_todayApril 26, 2026

Bharuch: ભરૂચમાં આજે 10.86 લાખ મતદારો 956 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ શુક્રવારે સાંજથી શાંત થતાં શુક્રવાર અને શનિવારની રાત્રે ઓટલા બેઠકો યોજાઈ હતી. ઉમેદવારોને રિઝવવા માટે અંતિમ સમય સુધી વિવિધ પક્ષો તેમજ તેમના ઉમેદવારો સામ, દામ, દંડ, ભેદની નિતી અપનાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, રવિવારે મતદાનના દિવસે મતદારો તેમના પસંદગીના ઉમેદવારો માટે ઈવીએમ મશીનનું બટન દબાવી તેમના ભાવી નક્કી કરશે. શનિવારે મતદાન મથકો માટે ઈવીએમ, પ્રિસાઈડિંગ ઓફિસરની ડાયરી તેમજ મતદાર યાદી સહિતીની સામગ્રી પુરી પડાઈ હતી.

ભરૂચ જિલ્લામાં રવિવારે 26મી એપ્રિલના રોજ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણીને લઈને સવારે 7 કલાકથી સાંજના 6 કલાક સુધી મતદાન યોજાશે. ભરૂચ જિલ્લા પંચાયતની 33 બેઠકો પર કુલ 111 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે.જ્યારે 9 તાલુકા પંચાયતોની કુલ 182 બેઠકોમાંથી 5 બેઠક પર ભાજપ બીનહરીફ થતાં હવે 177 બેઠકો માટે 500 ઉમેદવારો મેદાને ઉતરશે. જિલ્લાની 4 નગરપાલિકાઓની કુલ 132 બેઠકોમાંથી 6 બેઠકો પર ભાજપે બિન હરીફ રહેતાં હવે 126 બેઠકો પર 345 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે. ત્યારે શનિવારે તમામ મતદાન મથકો માટે નગરપાલિકાના 4 તેમજ જિલ્લા અને તાલુકાના 19 જેટલાં ડિસ્પેચિંગ રિસીવિંગ સેન્ટર પરથી ચૂંટણીલક્ષી સાધન સામગ્રીનું સફળતાપૂર્વક વિતરણ કરવામાં આવ્યું હતું.

ભરૂચ ખાતે કે. જે. પોલીટેક્નિક કોલેજ ખાતેથી જિલ્લા, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાના પોલિંગ સ્ટાફને તેમની નિમણૂંકના ઓર્ડર તેમજ ઈવીએમ મશીનો સહિતની સામગ્રી સાથે રવાના કરાયાં હતાં. પોલિંગ ટીમમાં પ્રિસાઈડિંગ ઓફિસર, આસી. પ્રિસાઈડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર, ઝોનલ ઓફિસર-સેક્ટર મેજિસ્ટ્રેટ સહિત મદદનીશ ઝોનલ ઓફિસરને તમામ જરૂરી સામાન વિતરણ કરી રવાના કરવામાં આવ્યાં હતાં.

ભરૂચ જિલ્લામાં 12 ઉમેદવારો બિનહરીફ વિજેતા

જિલ્લામાં કુલ 12 ઉમેદવારો બિનહરીફ બન્યાં હતાં. જેમાં ભરૂચ જિલ્લા પંચાયતની ગડખોલ સીટ પર જયેશ ગોવિંદ આહિર, ભરૂચ તાલુકા પંચાયતની ઝાડેશ્વર-1 પર આંચલ વિપુલ સોલંકી તેમજ પાલેજ-2ની સીટ પર ચારૂલ કૃણાલ પટેલ ઉપરાંત અંક્લેશ્વર તા.પં.ની બોરભાઠા બેટ સીટ પર ચેતના હિતેશ પટેલ, દિવા-1 પર અલ્પના સતિષ પટેલ તથા દિવા-3 બેઠક પર વિવેક મધુસુદન ભરડીવાલા બીનહરીફ થયાં છે. જ્યારે ભરૂચ પાલિકામાં વોર્ડ -5માં હેમાંગી દેવી તથા દેવેન્દ્ર સોનુસિંહ વસાવા ઉપરાંત જંબુસર પાલીકામાં વોર્ડ નં. 1માં આશા મોહન વાઘેલા અને રિન્કુ ધર્મેન્દ્ર ખારવા તેમજ વોર્ડ નં. 2 માં ચૈતાલી અમિત પ્રજાપતિ તથા અનિતા રાજેશ પઢિયાર બીનહરીફ રહ્યાં હતાં.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો