android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Bharuch:દોઢ વર્ષમાં ખનન માફિયા પર માટી ચોરીના 4 કેસ : રૂા.2.94 કરોડનો દંડ

calendar_todayJanuary 3, 2026

Bharuch:દોઢ વર્ષમાં ખનન માફિયા પર માટી ચોરીના 4 કેસ : રૂા.2.94 કરોડનો દંડ

વાગરામાં બેફામ રીતે માટી ખનન કરતાં ભુમાફિયાઓ સામે એક સબક બેસે તેવી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. તાજેતરમાં જ અલાદર ગામે ઝડપાયેલાં માટી ખનનના કેસમાં હજી કેટલાં પ્રમાણમાં માટી ચોરી થઈ છે તેની વિગતો મળી નથી. જોકે, અલાદર ગામના લીઝ ધારક લલીત શર્મા તેમજ તેમના સંતાનો તથા અન્ય સાગરિતો સામે દોઢ વર્ષમાં 3 કેસ થયાં છે અને કુલ 2.94 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હોવાની વિગતો સાંપડી રહી છે

વાગરા તાલુકામાં ખનન માફિયાઓ બેફામ બન્યા છે. કેટલાંક ખનન માફિયા નાની મોટી ખખનની પરવાનગી લીધાં બાદ તે જ સ્થળે પોતાની મનમાની મુજબ માટી ખનન કરી લેતાં હોય છે. તાજેતરમાં અલાદર ગામે એસડીએમ મનિષા મનાનીએ લલીત શર્માના નામે ચાલતી માટીની લીઝ પર ચેકિંગ કરતાં માટી ચોરીનું મોટું કૌભાંડ ઝડપી પાડયું હતું. જોકે, જે તે સમયે લલીત શર્માના બે પુત્રો ભાવેશ અને સુજીતે વહિવટી અધિકારીઓ સાથે રકઝકમાં ઉતર્યાં હતાં. જેના કારણે ખનન માફિયાઓની હિંમત આટલી વધી જવા પાછળના કારણોને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યાં છે. છેલ્લા દોઢ વર્ષમાં લલીત શર્મા અને તેના પુત્ર પર ત્રણ કેસમાં કુલ 2.94 લાખનો દંડ થયો છે. જેમાં 30મી નવેમ્બર 2024ના રોજ દહેજના વજાતરા ગામે 2 એક્સેવેટર મશીન અને 18 ડમ્પરો પકડાયાં હતાં. જેમાં 2977.91 મે.ટન માટી ખનનને લઈને સુજીત શર્મા, ગુલામ મુરતફા, શક્તિસિંહ રાઉલજી તેમજ લલીત શર્માને 12.34 લાખનો દંડ થયો હતો. જે બાદ 22મી મે 2024ના રોજ કડોદરા ગામે ચેકિંગ વેળાં 4 ડમ્પર-4 એક્સેવેટર મશીન પકડાયાં હતાં. સુજીત શર્મા તેમજ ઓમકારસિંહ રાણા ઉર્ફે લકીએ કુલ 1,03,962 મે.ટન માટી ચોરી કરતાં તેમને 2.56 કરોડનો દંડ થયો હતો. જે બાદ 12મી જૂન 2025માં નાંદિડા ગામે એક એકસેવેટર મશીન, 2 ડમ્પર પકડાયાં હતાં. તેમજ સુજીત શર્મા અને તેના અન્ય 3 સાગરિતોને 25.80 લાખનો દંડ કરાયો હતો. જોકે, હાલમાં ત્રણેય કેસ કોર્ટમાં પડતર છે.

વહીવટી તંત્ર-પોલીસમાં ફરિયાદો છતાં ગેરકાયદે ખનન બિન્દાસ્ત ચાલે છે

વહિવટી તંત્રમાં કલેક્ટરથી માંડી પોલીસ સહિત તમામ વિભાગને તે અંગે ફરિયાદ કરવામાં આવી છે. છતાં ખનન માફિયાઓમાં દાખલો બેસે એવી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ઉપરાંત વિસ્તારમાં માટીની લીઝો લેતાં લલીત શર્મા કે તેના સંતાનો તેમજ ઓમકારસિંહ રાણા ઉર્ફે લકી, શક્તિસિંહ રાઉલજી સહિતના કેટલાંક મોટા માથાઓના નામો ગેરકાયદે ખનનમાં વારંવાર સામે આવતાં હોય છે.

ગેરકાયદે ખનનમાં પકડાયેલા પરિવારને જ પુનઃ પરવાનગી મળતાં તર્કવિતર્ક

વાગરા પંથકમાં ગેરકાયદે માટી ખનન માટે લલીત શર્મા તેમજ તેના બે પુત્રો સુજીત અને ભાવેશના નામો સતત ચર્ચામાં રહે છે. ત્યારે તેમની સાથે સાથે ઓમકારસિંહ રાણા ઉર્ફે લકી નામના શખ્સની પણ ઘણી ફરિયાદો ઉઠતી રહે છે. ત્યારે વારંવાર ગેરકાયદે માટી ખનનમાં ઝડપાનારા પરિવારોને જ પુનઃ માટી ખનનની લીઝ મળી જતી હોવાને કારણે સંલગ્ન વિભાગમાં કે વહિવટી તંત્રમાં તેમની સારી સાંઠગાંઠ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો