calendar_todayAugust 29, 2026
Bharuch: 80 થી 85 ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓને પુનઃ મુખ્યધારામાં લાવવાના પ્રયાસ
શિક્ષણ ક્ષેત્રે ડ્રોપઆઉટ દર ઘટાડવાના હેતુથી શરૂ કરાયેલા બેક ટૂ સ્કૂલ ફેસ-1 અભિયાન અંતર્ગત નેત્રંગ સ્થિત શ્રીમતી એમ.એમ.ભક્ત હાઇસ્કૂલના આચાર્ય રતનભાઈ લક્ષ્મણભાઈ વસાવાએ વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહે તે માટે રૂબરૂ જઈને અગાઉ શાળા છોડી ચૂકેલા 80 થી 85 જેટલા વિદ્યાર્થી અને તેમના વાલીઓની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે વિદ્યાર્થીઓને પુનઃ અભ્યાસ શરૂ કરવા પ્રોત્સાહિત કર્યા હતા તેમજ સરકારની નમો લક્ષ્મી શિષ્યવૃત્તિ જેવી વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી હતી.
આર્થિક કે સામાજિક પરિસ્થિતિને કારણે નિયમિત શાળાએ આવી શકે તેમ ન હોય તેવા વિદ્યાર્થીઓ માટે તેમણે આશાનું કિરણ જગાવ્યું હતું. આચાર્યએ આવા વિદ્યાર્થીઓને ગુજરાત રાજ્ય ઓપન સ્કૂલ (GSOS) મારફ્તે અભ્યાસ ચાલુ રાખવા સમજાવ્યા હતા તેમજ આઈ.ટી.આઈ. અને ડિપ્લોમા જેવા કૌશલ્યવર્ધક તાલીમી કોર્સમાં પ્રવેશ મેળવવા માર્ગદર્શન પૂરું પાડયું હતું. 2 વિદ્યાર્થીઓએ ધોરણ-9 માં અને 1 વિદ્યાર્થીએ ધોરણ-11 માં શાળામાં પુનઃ પ્રવેશ મેળવ્યો હતો. 45 થી 50 જેટલા વિદ્યાર્થીઓએ GSOS મારફ્તે આગળનો અભ્યાસ ચાલુ રાખવા નોંધણી કરાવી. 8થી 10 વિદ્યાર્થીએ ITI અને ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ મેળવ્યો છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો