calendar_todayMarch 22, 2026
Bharuch news: પાલેજના ટંકારીયામાં ગૌવંશનું કતલખાનું ઝડપાયું, 150 કિલો ગૌમાંસ સાથે એકની ધરપકડ
ભરૂચ જિલ્લાના પાલેજ પોલીસ મથકની હદમાં આવતા ટંકારીયા ગામમાં ગૌવંશના કતલની આશંકાએ પોલીસે રેડ કરીને મોટી સફળતા મેળવી છે. ટંકારીયાથી સિતપોર રોડ પર આવેલા એક તબેલા નજીક અર્ધ ખુલ્લા શેડમાં ચાલતા કતલખાના પર પોલીસે ત્રાટકી 150 કિલો ગૌમાંસનો જથ્થો જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ત્રણ શખ્સો ફરાર થઈ જવામાં સફળ રહ્યા છે.
પોલીસ રેડની વિગત
ઘટનાની મળતી માહિતી અનુસાર, પાલેજ પોલીસને બાતમી મળી હતી કે, ટંકારીયા ગામની સીમમાં સિતપોર રોડ પર આવેલા એક પાકા શેડમાં ગૌવંશનું કતલ કરવામાં આવી રહ્યું છે. પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચીને તપાસ કરતા ત્યાંથી અંદાજે 150 કિલો જેટલું ગૌમાંસ મળી આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી સમીર ઇકબાલ દિવાન નામના શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્રણ આરોપીઓ પોલીસને થાપ આપી ફરાર
પોલીસની રેડ દરમિયાન અન્ય ત્રણ શખ્સો અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યા હતા. પોલીસે આ ગુનામાં કુલ ચાર લોકો વિરૂદ્ધ નામજોગ ફરિયાદ નોંધી છે. ફરાર આરોપીઓમાં મિનહાજ ઉર્ફે પીકે સલીમ (રહે. કોલવણા), મયુદ્દીન શઈદ પંડ્યા (રહે. ટંકારીયા) અને અસરફ ઐયુબ પંડ્યા (રહે. ટંકારીયા) શખ્સોનો સમાવેશ થાય છે. પાલેજ પોલીસે પશુ સંરક્ષણ ધારા હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાને પગલે પંથકના ગૌરક્ષકો અને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો - Bharuch News: વાલિયાના કેસરગામની સીમમાં યુવાનનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો