calendar_todayOctober 12, 2026
Bhavnagar: સિહોરમાં સુરકા દરવાજા પાસે બારીમાંથી ગાંજો વેચવાનો કથિત વીડિયો વાયરલ થતાં પોલીસ દોડતી થઈ!
ભાવનગર જિલ્લાના સિહોર શહેરમાં નશીલા પદાર્થોના વેચાણ અંગેનો એક ચોંકાવનારો કથિત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. શહેરના સુરકા દરવાજા જેવા જાહેર વિસ્તારમાં પોલીસના કોઈપણ પ્રકારના ડર કે સંકોચ વિના ખુલ્લેઆમ બારીમાંથી ગાંજાની પડીકીઓનું વેચાણ થઈ રહ્યું હોવાનો દાવો આ વાયરલ વીડિયોમાં કરવામાં આવી રહ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે અને પોલીસ તંત્ર પણ તાબડતોબ એક્શન મોડમાં આવી ગયું છે.
બારીમાંથી ગાંજો વેચતો હોવાનો વીડિયો સામે આવ્યો
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી વિગતો અને સ્થાનિક ચર્ચાઓ અનુસાર સિહોરના સુરકા દરવાજા વિસ્તારમાં એક મકાન કે ઓરડીની બારીમાંથી અંદર બેઠેલો શખ્સ બહાર ઊભેલા ગ્રાહકોને નશીલા પદાર્થ (ગાંજા) ની પડીકીઓ આપતો હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે.કોઈ પણ જાતના ભય વગર બિન્દાસ રીતે થઈ રહેલા આ કથિત વેચાણને જોઈને સ્પષ્ટ થાય છે કે નશાના સોદાગરોને કાયદો કે વ્યવસ્થાનો કોઈ ડર રહ્યો નથી.આ વીડિયો સ્થાનિક ગ્રૂપ્સમાં વાયરલ થતાં જ ચર્ચાનો વિષય બન્યો છે કે આખરે આ વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલો આ કથિત ગોરખધંધો કોના ઈશારે અને કોની રહેમનજર હેઠળ ધમધમી રહ્યો છે?
જનઆક્રોશ: તંત્ર દ્વારા યોગ્ય ખરાઈ અને કડક કાર્યવાહીની માગ
નશાના આ ખુલ્લેઆમ નેટવર્કને લઈને સિહોરના જાગૃત નાગરિકોમાં ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આવા અડ્ડાઓના કારણે વિસ્તારમાં અસામાજિક તત્વોનો જમાવડો વધે છે અને યુવાનો ગેરમાર્ગે દોરાય છે.લોકોએ વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ વડા સમક્ષ માંગ કરી છે કે આ વાયરલ વીડિયોની ટેકનિકલ અને સ્થળ પર જઈને તાત્કાલિક ખરાઈ કરવામાં આવે તથા આ કાળા કારોબાર પાછળ સંડોવાયેલા મુખ્ય સૂત્રધારોને જેલભેગા કરવામાં આવે.
વીડિયો વાયરલ થતાં સિહોર પોલીસ એક્શનમાં
વીડિયો સોશિયલ મીડિયામાં વાવાઝોડાની જેમ ફેલાતાં જ સિહોર પોલીસ તંત્ર સફાળું જાગ્યું છે.પોલીસે વીડિયોના આધારે સુરકા દરવાજા વિસ્તારમાં સંભવિત સ્થળની ઓળખ કરવા અને વીડિયોમાં દેખાતા શખ્સોની ભાળ મેળવવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.સ્થાનિક બાતમીદારોને સક્રિય કરી સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરીને ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવનારા તત્વો સામે કડક કાનૂની પગલાં ભરવાની દિશામાં કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.