calendar_todaySeptember 11, 2026
Bhavnagarના ઘોઘા જકાતનાકા પાસે કપડાંના વેપારી પાસે ખંડણી માંગી તોડફોડ કરનાર 2 શખ્સોની ધરપકડ
ભાવનગર શહેરમાં અસામાજિક તત્વો અને ગુંડાઓ બેફામ બન્યા હોય તેમ વેપારીઓ પાસે ખંડણી માગવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. શહેરના ઘોઘા જકાતનાકા પાસે આવેલી 'જય ભોલે એન્ટરપ્રાઇઝ' નામની રેડીમેઇડ કપડાંની દુકાને પહોંચી અસામાજિક તત્વોએ વેપારી પાસે દુકાન ચલાવવા બદલ મિહિનાના રૂ.5,000ની ખંડણીની માંગણી કરી હતી. વેપારીએ શરૂઆતમાં રકમ આપવાની ના પાડતાં આ તત્વોએ દાદાગીરી કરીને બળજબરીપૂર્વક રૂ.2,000 પડાવી લીધા હતા, જે બાબતનો વિગતવાર ઉલ્લેખ પાછળથી પોલીસ ફરિયાદમાં પણ કરવામાં આવ્યો છે.
નાણાં ન મળતા દુકાનમાં તોડફોડ અને પથ્થરમારો
પ્રાથમિક ઘટના બાદ ગોપાલ ચાવડા અને માધવ બારડ નામના બંને ઈસમો ફરીથી વેપારીની દુકાને ધસી આવ્યા હતા અને જો અહીં વેપાર કરવો હોય તો પૂરા રૂ.5,000 આપવા જ પડશે તેવી ખુલ્લેઆમ ધમકી આપી હતી. વેપારીએ રોકડ રકમ આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દેતાં આવેશમાં આવેલા બંને શખ્સોએ દુકાનની અંદર તોડફોડ મચાવી હતી. એટલું જ નહીં, પુરાવા નાશ કરવાના ઈરાદે કે પોતાની દાદાગીરી છુપાવવા માટે દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરા પર પથ્થરમારો કરીને આશરે રૂ.35,000નું ભારે આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું.
પોલીસે બંને માથાભારે ઈસમોને દબોચી લીધા
ભાવનગરમાં દિવસદહાડે બનેલી આ ઘટનાથી સ્થાનિક વેપારી આલમમાં રોષ અને ભયનો માહોલ વ્યાપી ગયો હતો. ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતાં જ ભાવનગર પોલીસે તુરંત હરકતમાં આવીને ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે વિસ્તારમાં ચક્રો ગતિમાન કરીને વેપારીને ધમકાવનાર અને તોડફોડ કરનાર ગોપાલ ચાવડા તથા માધવ બારડ બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે અને તેમની સામે કાયદેસરના કડક પગલાં ભરવાની તજવીજ હાથ ધરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો