android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Bhavnagar: રત્નકલાકારો અને ડ્રાઇવરોની પરસેવાની કમાણી ઓળવી ગયા ધામેચા બ્રધર્સ, 50 કરોડથી વધુનું ફૂલેકું ફેરવ્યાનો આક્ષેપ

calendar_todayJuly 10, 2026

Bhavnagar: રત્નકલાકારો અને ડ્રાઇવરોની પરસેવાની કમાણી ઓળવી ગયા ધામેચા બ્રધર્સ, 50 કરોડથી વધુનું ફૂલેકું ફેરવ્યાનો આક્ષેપ

ભાવનગર શહેર અને જિલ્લામાં રોકાણકારોને રાતોરાત અમીર બનવાના સપના બતાવી કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવનાર ધામેચા બ્રધર્સના સ્કેમમાં ભાવનગર LCB પોલીસને મોટી સફળતા મળી છે. થોડા દિવસો પહેલા જ પકડાયેલા મુખ્ય સૂત્રધાર સંજય ધામેચાની પૂછપરછમાં તેના જ પિતરાઈ ભાઈ યોગેશ ધામેચાનું નામ ખુલ્યું હતું. યોગેશ આ સમગ્ર ગેરકાયદેસર પોન્ઝી સ્કીમના નાણાકીય વ્યવહારો સંભાળતો હોવાના પુરાવા મળતા પોલીસે તેની પણ ધરપકડ કરી લીધી છે. આ બંને ભાઈઓએ ભેગા મળીને ભાવનગરના મહેનતકશ વર્ગને નિશાન બનાવ્યો હતો.

10 હજારથી લાખોનું રોકાણ કરાવી ગુપ્ચુપ ઓફિસ સંકેલી લીધી

પોલીસ તપાસ અને સ્થાનિકોની ફરિયાદ અનુસાર, આ આખી ટોળકીએ બજારમાં એવી લોભામણી જાહેરાતો અને સ્કીમો ચલાવી હતી કે જો કોઈ વ્યક્તિ તેમની પાસે પૈસા રોકે તો તેને દર મહિને ૨૦% જેટલું માતબર વળતર આપવામાં આવશે. આ સ્કીમમાં ભાવનગરના હબ ગણાતા ડાયમંડ ઉદ્યોગના રત્નકલાકારો, ખાનગી ટ્રાવેલ્સ અને પરિવારોના ડ્રાઇવરો તેમજ નાના નાના વેપારીઓ ફસાયા હતા. લોકોએ પોતાની આખી જિંદગીની બચત, સોનું વેચીને કે લોન લઈને 10 હજારથી શરૂ કરીને લાખો રૂપિયા સુધીનું આંધળું રોકાણ આ બંને ભાઈઓની કંપનીમાં કરી દીધું હતું.

50 કરોડના કૌભાંડના મૂળ સુધી પહોંચવા પોલીસના ચક્રો ગતિમાન

શરૂઆતના તબક્કે રોકાણકારોને આકર્ષવા માટે થોડું વળતર ચૂકવાયું હતું, પરંતુ સમય જતાં કરોડો રૂપિયા એકઠા થઈ જતાં બંને ભાઈઓ રફુચક્કર થઈ ગયા હતા. પોલીસની પ્રાથમિક ડાયરીમાં હાલ 1.25 કરોડથી વધુની રકમની છેતરપિંડી સત્તાવાર રીતે સામે આવી ચૂકી છે, પરંતુ દાખલ થયેલી ફરિયાદ મુજબ આંકડો અત્યંત ભયજનક છે. અંદાજે ૧,૫૦૦થી વધુ છેતરાયેલા રોકાણકારો પાસેથી અંદાજે 50 કરોડથી વધુનું રોકાણ મેળવી આ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની આશંકા છે. LCB એ આરોપીઓની ઓફિસ અને ઘરેથી લેપટોપ, બેંકના ડિજિટલ દસ્તાવેજો અને રોકાણકારોના નામ અને વળતરની વિગતો દર્શાવતું લખાણવાળું સાહિત્ય જપ્ત કર્યું છે. કોર્ટે સોમવાર સાંજ સુધીના રિમાન્ડ આપ્યા હોવાથી પોલીસ હવે આ કરોડો રૂપિયા કયા વ્યવસાય કે રિયલ એસ્ટેટમાં સગેવગે કરાયા છે તેની ઊંડી તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: Surat: દક્ષિણ ગુજરાતમાં મેઘમહેરથી સુરતની જીવાદોરીમાં આવ્યા નવા નીર, ઉકાઈ ડેમની જળ સપાટી 312.80 ફૂટે પહોંચી