android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Bhavnagar : મેડિકલ કોલેજમાં રેગિંગ મામલે 6 સિનિયર વિદ્યાર્થીઓ સસ્પેન્ડ, હોસ્ટેલ ખાલી કરવા આદેશ અને પોલીસ ફરિયાદની તૈયારી

calendar_todayJune 19, 2026

Bhavnagar : મેડિકલ કોલેજમાં રેગિંગ મામલે 6 સિનિયર વિદ્યાર્થીઓ સસ્પેન્ડ, હોસ્ટેલ ખાલી કરવા આદેશ અને પોલીસ ફરિયાદની તૈયારી

ભાવનગર સરકારી મેડિકલ કોલેજમાં જુનિયર વિદ્યાર્થીઓ સાથે થયેલી રેગિંગની ઘટનામાં એન્ટી-રેગિંગ કમિટી દ્વારા અત્યાર સુધીનો સૌથી કડક નિર્ણય લેવામાં આવ્યો છે. કોલેજ કેમ્પસમાં ગત રાત્રે ભારે ચર્ચા જગાવનાર આ મામલે મેરેથોન સાડા આઠ કલાક સુધી એન્ટી-રેગિંગ કમિટીની બેઠક ચાલી હતી, જેમાં તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ બાદ 6 સિનિયર વિદ્યાર્થીઓને દોષિત જાહેર કરી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. નેશનલ મેડિકલ કમિશનની કડક જોગવાઈઓ હેઠળ આ તમામ સામે આકરી શિક્ષાત્મક કાર્યવાહી કરાઈ છે.

નિવેદનો નોંધવામાં આવ્યા

આ બેઠક દરમિયાન કમિટી દ્વારા પીડિત પક્ષના 13 વિદ્યાર્થીઓ, દોષિત પક્ષ ના 6 વિદ્યાર્થીઓ અને અન્યના 13 વિદ્યાર્થીઓ સહિત 5 થી 6 સ્પોર્ટ્સ સ્ટાફ અને ફેકલ્ટી સભ્યોના સત્તાવાર નિવેદનો નોંધવામાં આવ્યા હતા.

મુખ્ય 1 દોષિત વિદ્યાર્થીને 2 વર્ષ માટે કોલેજમાંથી સસ્પેન્ડ કરાયો

પુરાવા અને નિવેદનોના આધારે ગુનો સાબિત થતાં કમિટીએ દોષિતો સામે કડક વલણ અપનાવ્યું છે. સસ્પેન્ડ કરાયેલા 6 વિદ્યાર્થીઓમાંથી મુખ્ય 1 દોષિત વિદ્યાર્થીને 2 વર્ષ માટે કોલેજમાંથી સસ્પેન્ડ કરાયો છે, જ્યારે અન્ય 3 વિદ્યાર્થીઓને 1 વર્ષ માટે અને બાકીના 2 વિદ્યાર્થીઓને 6 મહિના માટે સસ્પેન્ડ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આજે સાંજ સુધીમાં હોસ્ટેલ ખાલી કરી દેવાની સ્પષ્ટ સૂચના

કમિટીના કડક આદેશ અનુસાર, તમામ દોષિત વિદ્યાર્થીઓને આજે સાંજ સુધીમાં હોસ્ટેલ ખાલી કરી દેવાની સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે. આ ઉપરાંત, સસ્પેન્શનના ગાળા દરમિયાન આ વિદ્યાર્થીઓ કોલેજ કે હોસ્પિટલની કોઈ પણ ક્લિનિકલ, એકેડેમિક અથવા અન્ય પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકશે નહીં અને શૈક્ષણિક કામગીરીથી સંપૂર્ણ દૂર રહેશે.

પોલીસ ફરિયાદ પણ થશે

આ મામલો અહીં જ અટકતો નથી, કોલેજ પ્રશાસન દ્વારા આ 6 દોષિત વિદ્યાર્થીઓ સામે કાયદાકીય સકંજો કસવા માટે ટૂંક સમયમાં જ પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. મેડિકલ ક્ષેત્રે રેગિંગના દૂષણને ડામવા માટે ભાવનગર કોલેજનું આ પગલું અન્ય સંસ્થાઓ માટે પણ દાખલારૂપ સાબિત થશે.